સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
સંસ્કારી નગરી વડોદરા હંમેશા તેની કળા અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં વિખ્યાત રહી છે, ત્યારે વડોદરાના કલાપ્રેમીઓ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરના ‘આર્ટ ઇન હાર્ટ’ ગ્રુપ દ્વારા વડોદરાની પ્રતિષ્ઠિત ‘આકૃતિ આર્ટ ગેલેરી’ ખાતે એક ભવ્ય અને આકર્ષક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મે મહિનાની શરૂઆત સાથે જ તાજેતરમાં તારીખ 1, 2 અને 3 મેના રોજ આ પ્રદર્શન કલાપ્રેમીઓ માટે ખુલ્લું મુકાયું છે.

આ પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન શુક્રવાર, 1 મે 2026ના રોજ સવારે 10:00 કલાકે મુખ્ય અતિથિ વિશેષ શ્રી ડીંડોરકર, સુશ્રી ક્ષિતિજા પટેલ (ફિમેલ ફિટનેસ કોચ) તથા આર.જે. તપન (રેડિયો જોકી), ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્યુરેટર સીમા યજ્ઞેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદર્શનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર સ્થાપિત કલાકારો જ નહીં, પરંતુ ઉભરતા વિદ્યાર્થી કલાકારોને પણ એક સમાન મંચ પૂરું પાડવામાં આવ્યું છે. પ્રોફેશનલ આર્ટિસ્ટ્સ અને વિદ્યાર્થી કલાકારોની જુગલબંધી સમાન આ એક્ઝિબિશનમાં કુલ 25 જેટલા કુશળ કલાકારોએ ભાગ લીધો છે. જેમાં 150 થી વધુ કલાકૃતિ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. કલાકારોએ મહિનાઓની સખત મહેનત બાદ તૈયાર કરેલી અદભૂત કૃતિઓ અહીં નિહાળવા મળી રહી છે. પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલી પેઇન્ટિંગ્સમાં વિવિધતાનો આગ્રહ રાખવામાં આવ્યો છે, જેમાં વોટર કલર, મંડલા આર્ટ, ટેક્સચર આર્ટ અને મિક્સ્ડ મીડિયા જેવી અનેકવિધ આધુનિક અને પરંપરાગત શૈલીઓનો સંગમ જોવા મળે છે.

આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડોદરાની જનતા કળાની સાચી પારખુ છે. કલાકારોએ જુદા જુદા માધ્યમો અને નવતર વિષયો પર કામ કરીને પોતાની સર્જનાત્મકતા અહીં રજૂ કરી છે. આ પ્રદર્શન સવારે 11:00 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 8:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ચાલુ રહેશે. નોંધનીય છે કે, કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પ્રદર્શનમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

આયોજકોએ વડોદરાની કલાપ્રેમી જનતાને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં આ પ્રદર્શનની મુલાકાત લે અને આ પ્રતિભાશાળી કલાકારોની મહેનતને બિરદાવી તેમને પ્રોત્સાહિત કરે. ત્રણ દિવસીય આ પ્રદર્શન ચોક્કસપણે કલાના ચાહકો માટે એક યાદગાર અનુભવ સાબિત થશે.

