ખાનપુર તાલુકાના ગાંગટા મુકામે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંક (PDC Bank) દ્વારા ગ્રામજનોની નાણાંકીય જરૂરિયાતો સ્થાનિક સ્તરે જ સરળતાથી પૂર્ણ થઈ શકે તેવા હેતુથી નવીન એટીએમ (ATM) સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં આધુનિક બેંકિંગ સેવાઓનો વ્યાપ વધારવાના ભાગરૂપે બેંક દ્વારા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

આ લોકાર્પણ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને બેંકના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સહકારી આગેવાન તથા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવક, મહીસાગર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તથા PDC બેંકના ડિરેક્ટર શ્રી ભલવેન્દ્રભાઈ પટેલ, PDC બેંકના ડિરેક્ટર અને લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ બારીયા, PDC બેંકના ડિરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ (મુખી), ગાંગટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી મૂળજીભાઈ પટેલ, PDC બેંકના ડીજીએમ શ્રી રાકેશભાઈ પટેલ, લીમડીયા શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી રાહુલસિંહ સિસોદિયા, પૂર્વ સરપંચ શ્રી જયંતીભાઈ પટેલ તેમજ શ્રી જીગ્નેશભાઈ જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શ્રી શૈલેષભાઈ ઠાકરે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને બેંકિંગ સેવાઓ વિશે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી હતી તેમજ વધુમાં વધુ લોકો આ સુવિધાઓનો લાભ લે તે માટે હાર્દિક અપીલ કરી હતી.

પોતાના ગામના આંગણે જ આધુનિક ATM સુવિધા ઉપલબ્ધ થતાં ગાંગટા તેમજ આસપાસના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સ્થાનિક કક્ષાએ જ એટીએમ શરૂ થવાથી હવે રોકડ નાણાં ઉપાડવા માટે ગામલોકોને દૂર સુધી જવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આ અત્યાધુનિક સુવિધા શરૂ કરવા બદલ ગ્રામજનોએ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ, સીઇઓ શ્રી રશેષભાઈ શાહ તથા સમગ્ર બેંક વ્યવસ્થાપનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

