પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ અને દેશભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદહસ્તે પંચમહાલ જિલ્લાના વિકાસમાં અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં માતબર યોગદાન આપનાર ૧૯ જેટલા વિશિષ્ટ વ્યક્તિઓ અને કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર આપી વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા આ સન્માન સમારોહમાં આરોગ્ય સેવાઓ, સ્વેચ્છિક રક્તદાન, રમતગમત, જીવનરક્ષક સાહસિક કામગીરી (રાહવીર), કાયદો અને વ્યવસ્થા, ખેતી ક્ષેત્રે સંશોધન તેમજ પ્રજાભિમુખ મહેસુલી કામગીરી ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર લોકોને બિરૂદાવવામાં આવ્યા હતા.
સન્માનિત મહાનુભાવો અને તેમની વિશિષ્ટ સિદ્ધિઓની વિગત:

🔵આરોગ્ય અને માનવસેવા ક્ષેત્ર:
0 શિલ્પાબેન પરીખ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા): રક્તદાન શિબિરોનું સુચારુ આયોજન કરી ૪૭૬ યુનિટ રક્તદાન એકત્રિત કર્યું.
0 ગોરધન દાસવાણી (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા): પોતે ૭૬ વખત સ્વેચ્છિક રક્તદાન કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું
0 રીટાબેન પરમાર (આશા વર્કર, સણસોલી): ૨૩ અતિ જોખમી સગર્ભાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં સહયોગ અને ૨૦ સ્ત્રી ઓપરેશન મોટિવેટ કર્યા.
0 અનુશ્રી આર. પટેલ (સ્ટાફ નર્સ, પ્રા.આ.કેન્દ્ર, દેલોલ): વર્ષ ૨૦૨૫-૨૬માં સેન્ટર ખાતે ૧૫૪ જેટલી સફળ પ્રસૂતિ કરાવી.
0 ડૉ. અશ્વિન રાઠવા (મેડિકલ ઓફિસર, સા.આ.કેન્દ્ર, શહેરા): સમગ્ર કેન્દ્રમાં સૌથી વધુ ૬૨૬ સફળ પ્રસૂતિ કરાવવાની વિશિષ્ટ સેવા આપી.
🔵 રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય ગૌરવ:
0 આલીયા અબ્દુલકલીમ ખાન (સરકારી માધ્યમિક શાળા, દરૂણીયા): ૨૪મી નેશનલ પેરા એથ્લેટિક્સ (ભુવનેશ્વર) ખાતે બ્રોન્ઝ મેડલ વિજેતા અને રાજ્ય સરકારના ‘સરદાર પટેલ એવોર્ડ’ માટે પસંદગી.
0 વિપા બારિયા (પીએમ શ્રી એકલવ્ય મોડેલ સ્કૂલ, વેજલપુર): આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કાર્યશાળા ‘મિશન શક્તિસેટ’ (૧૦૮ દેશોના ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓ) માં ભારતમાંથી માત્ર ૨૦ અને ગુજરાતમાંથી એકમાત્ર પસંદગી પામેલ વિદ્યાર્થી.
0 કુ. ઓપિનાબેન ભિલાડ (SAG, ગોધરા): નવી દિલ્હી ખાતે યોજાયેલ ખો-ખો વર્લ્ડ કપ ૨૦૨૫ માં ગોલ્ડ મેડલ વિજેતા.
0 જ્યોતિકાબેન રાઠવા અને છાયલ પરમાર (SAG, ગોધરા): સ્પેશિયલ ઓલમ્પિક્સ નેશનલ ઇવેન્ટમાં વિજેતા બની ઓગસ્ટ-૨૦૨૬ માં હોંગકોંગ ખાતે યોજાનાર ઈસ્ટ એશિયા રીજીયોનલ બોલિંગ કોમ્પીટીશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી.
🔵કાયદો, વ્યવસ્થા અને સાહસિક સરાહનીય પોલીસ કામગીરી:
0 શ્રી અલ્પેશભાઈ નારણભાઈ (પોલીસ કોન્સ્ટેબલ, LCB ગોધરા): ૪ અણઉકેલાયેલા મિલકત સંબંધી ગુના ઉકેલી રૂ.૨.૧૯ જેટલા લાખનો મુદ્દામાલ રિકવર કર્યો, ૧૮ વોન્ટેડ આરોપીઓ પકડ્યા અને મધ્યપ્રદેશમાંથી અપહૃત ૨ માસુમ બાળકોને સહિસલામત મુક્ત કરાવી પિતા સાથે મિલન કરાવ્યું.
0 શ્રી હેમરાજસિંહ મહેન્દ્રસિંહ (પોલીસ કોન્સ્ટેબલ, LCB ગોધરા): ૬ નાસતા ફળતા વોન્ટેડ આરોપીઓ, માતબર રકમનો વિદેશી દારૂ તથા રૂ.૪૨,૪૦૦ પ્રોહિબિશન/જુગાર મુદ્દામાલ પકડ્યો અને ૨ અપહરણ કરાયેલ બાળકોને મુક્ત કરાવવાની પ્રશંસનીય કામગીરી કરી.
0 રિકુબેન ભરતસિંહ (પોલીસ કોન્સ્ટેબલ, હાલોલ રૂરલ): પોક્સો એક્ટના ગુનામાં ભોગ બનનારને નેપાળ બોર્ડરથી પરત લાવી SSB અને UP પોલીસના સહયોગથી આરોપીને જેલહવાલે કર્યો.
🔵રાહવીર (અકસ્માતમાં તાત્કાલિક જીવનરક્ષક સેવા આપનાર નાગરિકો):
0 પરેશકુમાર વિનોદચંદ્ર બસરાણી (ગોધરા): ગોધરા-વડોદરા હાઇવે પર અકસ્માતગ્રસ્ત રાહુલકુમાર બારીઆને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો.
0 અનશ મહોમદ અયુબ હશાન (ગોધરા): ભરત સિલિકાના ગેટ પાસે અકસ્માતમાં ઘવાયેલા બાળક ઈદરીશ વાલાને સમયસર હોસ્પિટલ પહોંચાડી નવજીવન આપ્યું.
0 વિશાલ દિલીપભાઈ જયસ્વાલ (ગોધરા): કાર-એક્ટિવા અકસ્માતમાં ઈજાગ્રસ્ત ઉમેશભાઈ અને ઈશાકભાઈને પોતાની ગાડીમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા.
0 મહેશકુમાર ભગવાનસિંહ ગોહિલ (હાલોલ): હાલોલ રોડ પર અકસ્માતના ભોગ બનેલ અરવિંદભાઈ સોલંકીને પોતાની રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડી ઉમદા માનવસેવા દાખવી.
🔵મહેસુલી સેવા અને કૃષિ સંશોધન:
0 વિક્રમ પરમાર (મહેસુલી તલાટી, ગોધરા ગ્રામ્ય): ૬ ગામોમાં ૧૩૬ વારસાઈ નોંધ, ૧૬ મરણ નોંધણી અને સેવાસેતુ હેઠળ ૧૩ બાળકોની નોંધણી કરાવી શિષ્યવૃત્તિ સહિતની સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો. ચેના પંચાલ (મદદનીશ રીસર્ચ સાયન્ટીસ્ટ, GNSU, હાલોલ): પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ‘Best Start-up & Innovation Award’ અને ‘Best Faculty & Mentorship Award’ પ્રાપ્ત કરી કૃષિ સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ તમામ એવોર્ડ વિજેતાઓના ભગીરથ પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, જિલ્લાના આવા કર્મયોગીઓ અને જાગૃત નાગરિકો સમાજ માટે પ્રેરણાસ્રોત છે.

