– સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર ગ્રેડ-પે સુધારા અને કર્મચારીઓના ન્યાયી હકો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આચરવામાં આવતી ઉપેક્ષા સામે આજે વડોદરા ખાતે ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ્ઝ વર્ગ-૩ કર્મચારી મંડળ, વડોદરા યુનિટ દ્વારા સરકાર સમક્ષ ગ્રેડ પે અંગેની પડતર માગણીઓ અને કર્મચારીઓની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે એક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પડતર માગણીઓ અને ગ્રેડ પે સુધારા જેવા મુદ્દાઓને લઈને ચાલતી હડતાળ વચ્ચે કર્મચારીઓએ સમાજસેવાનો અનોખો સંદેશ આપતા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ દરમિયાન કુલ ૩૫ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

કર્મચારી મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “અમારી ગ્રેડ પે ની માગણી સરકાર સુધી પહોંચાડવા માટે અમારો વિરોધ ચાલુ છે, પરંતુ આ વિરોધ દરમિયાન પણ સમાજ પ્રત્યેની અમારી જવાબદારીને અમે ભૂલ્યા નથી.”
”રક્તનું એક ટીપું… કોઈના માટે જીવન બની શકે છે…” એવા ઉમદા વિચાર સાથે કર્મચારીઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. “રક્તદાન મહાદાન”, “સમાજ માટે માનવતા” અને “કોઈનું જીવન બચાવવાનો સંકલ્પ” લઈને હાથ ધરાયેલા આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે કર્મચારીઓ પોતાના હક માટે સંઘર્ષ કરવાની સાથે સાથે સમાજ પ્રત્યેની પોતાની સેવાભાવના પણ પૂરી નિષ્ઠાથી નિભાવે છે.
કર્મચારી મંડળે સરકારને ચીમકી આપતા ભારપૂર્વક માંગણી કરી છે કે, પ્રજાના કામો સાથે જોડાયેલા આ કર્મચારીઓના ગ્રેડ-પે અને હડતાળના મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવશે.

