પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોની પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન દૂતાવાસની બહાર તીન મૂર્તિ માર્ગ પર ભાજપના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેમણે ‘પાકિસ્તાન હાય-હાય’ના નારા પણ લગાવ્યા હતા. દિલ્હી પોલીસે ભાજપના કાર્યકરોને પાક એમ્બેસી તરફ કૂચ કરતા રોકવા માટે બેરિકેડ લગાવી દીધા છે.
ગુરુવારે ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘હું ભારતને કહેવા માંગુ છું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ‘ગુજરાતનો કસાઈ’ હજુ પણ જીવિત છે અને ભારતના વડાપ્રધાન છે.’
સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા ન્યુયોર્ક પહોંચેલા બિલાવલ ભુટ્ટોએ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મોદી વડાપ્રધાન બન્યા એ પહેલા અમેરિકાએ તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.’ પીએમ મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર પર આરોપ લગાવતા ભુટ્ટોએ કહ્યું કે, બંને ભારતના નથી, તેઓ આરએસએસના વડાપ્રધાન અને આરએસએસના વિદેશમંત્રી છે.
ન્યૂયોર્કમાં બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, ભારત સરકાર ગાંધીની વિચારધારામાં વિશ્વાસ કરવાને બદલે તેમના હત્યારાના સિદ્ધાંતોમાં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે ભારત સરકાર હિટલરથી પ્રભાવિત છે. પાકિસ્તાનમાં વધતા આતંકવાદી હુમલાઓ માટે ભારતને જવાબદાર ઠેરવતા બિલાવલે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદને પાડોશી દેશ તરફથી સમર્થન મળી રહ્યું છે અને બહારના તત્વો બલૂચિસ્તાનમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને લતાડ્યું હતું, જેના જવાબમાં પાકિસ્તાનના મંત્રીનું આ અભદ્ર નિવેદન આવ્યું છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીરનો મુદ્દો યુએનમાં ઉઠાવવા બદલ પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. પાકિસ્તાનને સલાહ આપતા જયશંકરે કહ્યું હતું કે જે દેશ અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીને આશ્રય આપે છે અને તેના પાડોશી દેશની સંસદ પર હુમલો કરે છે, તેણે ઉપદેશ ન આપવો જોઈએ.
જયશંકરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા વર્તમાન સમયના મુખ્ય પડકારો પર કરવામાં આવેલી અસરકારક પ્રતિક્રિયા પર નિર્ભર કરે છે. તે પડકાર રોગચાળો, આબોહવા પરિવર્તન, આતંકવાદ અથવા કોઈપણ સંઘર્ષ હોઈ શકે છે અને આવા જોખમોને સામાન્ય પડકારો તરીકે સ્વીકાર કરવો જોઈએ નહીં. પાકિસ્તાન પર પ્રહાર કરતા જયશંકરે કહ્યું હતું કે વિશ્વ માટે જે અસ્વીકાર્ય છે તેને ન્યાયી ઠેરવવાનો પ્રશ્ન ઉઠવો જ ન જોઈએ.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે UNSC વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર છે. યુએનએસસીમાં ભારતના સમાવેશની માંગ પર, ભુટ્ટોએ કહ્યું હતું કે તેમાં નવા સભ્યો ઉમેરવાથી યુએનના મોટાભાગના સભ્ય દેશોની સુરક્ષા પરિષદમાં હાજર રહેવાની તકો ઓછી થઈ જશે. એટલા માટે આપણે તમામ સભ્ય દેશોની સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખવી જોઈએ.

