Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ખાનપુરના દેગામડા ગામે મહીસાગર નદીના પવિત્ર કિનારે અંદાજિત ₹૧.૫ કરોડના માતબર ખર્ચે નવનિર્મિત આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ (મુક્તિધામ)”નું ૧૩ જૂને ભવ્ય લોકાર્પણ

​દેગામડા (ખાનપુર): ખાનપુર તાલુકાના દેગામડા ગામે પવિત્ર મહીસાગર નદીના કિનારે, શ્રી મહીસાગર માતા મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજિત દોઢ કરોડ રૂપિયાના માતબર ખર્ચે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ “શ્રી વિષ્ણુલોક ધામ (મુક્તિધામ)”નું આગામી તા. ૧૩/૦૬/૨૦૨૬, શનિવારના રોજ ભવ્ય લોકાર્પણ યોજાનાર છે, તેમ એક અખબારી યાદીમાં ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટી શ્રી શૈલેષ ઠાકરે જણાવ્યું છે. પરંપરાગત રીતે ખાનપુર વિસ્તારના આશરે ૫૦થી વધુ ગામોના લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે દેગામડા ગામે મહીસાગર નદીના પવિત્ર કિનારે જ આવતા રહ્યા છે, પરંતુ ત્યાં પૂરતી વ્યવસ્થાઓ અને પાયાની સગવડોના અભાવે, ખાસ કરીને ચોમાસા જેવી ઋતુઓમાં શોકગ્રસ્ત પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સંવેદનશીલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વિસ્તારના સામાજિક આગેવાનો, શ્રેષ્ઠીઓ તથા સમાજહિતૈષી નાગરિકોએ એકત્રિત થઈ ‘શ્રી મહીસાગર માતા મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી. ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવેલા વ્યાપક લોકજાગૃતિ અભિયાન અને સમાજમાંથી મળેલા ઉદાર આર્થિક સહયોગના પરિણામે ભારે પરિશ્રમ બાદ આધુનિક સુવિધાસભર મુક્તિધામ સાકાર થયું છે.  

​આ નવનિર્મિત મુક્તિધામ પરિસરમાં પર્યાવરણનું રક્ષણ થાય અને ઓછામાં ઓછા લાકડાનો ઉપયોગ થાય તેવી વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલી આધુનિક સગડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, અંતિમ સંસ્કાર માટે જરૂરી લાકડાની સુવિધા પણ હવે મુક્તિધામ પરિસરમાં જ ઉપલબ્ધ રહેશે, જેથી પરિવારજનોને અલગથી લાકડા લાવવાની દોડધામ અને મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. પંથકના જ્ઞાતિજનો માટે મૃતદેહને ઘરેથી મુક્તિધામ સુધી સન્માનપૂર્વક લાવવા માટે ટ્રસ્ટ દ્વારા ખાસ “રામ રથ” (શવવાહિની)ની સુવિધા પૂરી પાડવામાં આવશે. મુક્તિધામના શાંત પરિસરમાં ભગવાન મહાદેવની ધ્યાનમુદ્રામાં બિરાજમાન એક અત્યંત ભવ્ય અને આકર્ષક પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે. પરિસરમાં અવરજવર માટે વિશાળ સીસી રોડ, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા, અંતિમયાત્રામાં આવેલા લોકો માટે બેસવાની સુંદર વ્યવસ્થા તેમજ સ્વચ્છ ટોયલેટ-બાથરૂમ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે.  

​ટ્રસ્ટીશ્રીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ પ્રથમ તબક્કાની સુવિધાઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ભવિષ્યમાં પણ આ પરિસરને વધુ ઉપયોગી અને સર્વસુવિધાસભર બનાવવા માટે તબક્કાવાર નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. આગામી સમયમાં હાથ ધરાનારા આ વિકાસકામો માટે પણ મોટી રકમની જરૂરિયાત ઊભી થનાર હોઈ, વિસ્તારના શ્રેષ્ઠીઓ અને ઉદારદિલ દાતાશ્રીઓને આ પવિત્ર સામાજિક કાર્યમાં ઉદાર હાથે દાન આપી સહભાગી બનવા ટ્રસ્ટ તરફથી હાર્દિક અપીલ કરવામાં આવી છે

Share

Related posts

ઝાલોદ તાલુકામા બોર્ડની પરીક્ષા આપતા છાત્રોને પ્રાંત અધિકારી દ્વારા મોઢું મીઠું કરાવી પુષ્પગુચ્છ આપી કસોટી માટે શુભેચ્છા પાઠવી

gujaratjanekta

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

અહલ્યાબાઈ હોલકરની 299મી જન્મ જયંતિનું દાહોદમાં પહેલીવાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial