Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

દેગામડા ગામે મહીસાગર તટે ₹૧.૫ કરોડના આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ”નું ભવ્ય લોકાર્પણ:અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે જનતાને અર્પણ કરાયો પ્રકલ્પ

ખાનપુર તાલુકાના દેગામડા ગામે પવિત્ર મહીસાગર નદીના કિનારે, શ્રી મહીસાગર માતા મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે દોઢ કરોડ રૂપિયાના માતબર ખર્ચે નવનિર્મિત અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ “શ્રી વિષ્ણુલોક ધામ (Commercial મુક્તિધામ)”નો લોકાર્પણ સમારોહ આજે શનિવારના રોજ ભક્તિસભર માહોલમાં ભવ્ય રીતે સંપન્ન થયો છે. આ પવિત્ર પ્રસંગે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાંતિપાઠની પૂજા વિધિ કરીને આ ધામને જનતા અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રતનસિંહજી, પૂર્વ ધારાસભ્યો શ્રી જિજ્ઞેશભાઈ સેવક તથા શ્રી કાળુભાઈ માલીવાડ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ પી. પટેલ, પંચમહાલ ડેરીના એમ.ડી. શ્રી એફ. એસ. પુરોહિત, પંચમહાલ ડેરીના ડિરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ તેમજ આદર્શ સ્કૂલ લુણાવાડાના સંચાલક શ્રી કિરીટભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મુખ્ય દાતાશ્રીઓ સર્વશ્રી યોગેશભાઈ જોષી, અંબાલાલ કાળુભાઈ પટેલ, અનિલભાઈ મોતીભાઈ પંડ્યા, કે. આર. પટેલ, રાકેશભાઈ પંડ્યા (શાકવાળા), રાકેશભાઈ પંડ્યા (નંદન આર્કેડ), ટ્રસ્ટના પદાધિકારીઓ સહિત ખાનપુર અને વીરપુર તાલુકાના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રૂ. ૧ લાખથી વધુનું દાન આપનાર વિશિષ્ટ દાતાશ્રીઓ સહિત તમામ નામી-અનામી શ્રેષ્ઠીઓનું ટ્રસ્ટ તરફથી શાલ અને સ્મૃતિચિહ્ન આપી ભાવભર્યું સન્માન કરાયું હતું.

​અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનપુર પંથકના આશરે ૫૦થી વધુ ગામોના લોકો પેઢીઓથી પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે દેગામડા ખાતે મહીસાગર નદીના કિનારે જ આવે છે, પરંતુ પૂરતી સુવિધાઓ અને શેડના અભાવે અગાઉ શોકગ્રસ્ત પરિવારોને ચોમાસા જેવી ઋતુઓમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સંવેદનશીલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વિસ્તારના સામાજિક આગેવાનોએ સાથે મળીને ‘શ્રી મહીસાગર માતા મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી, વ્યાપક જનજાગૃતિ અને લોકભાગીદારીથી આ દોઢ કરોડના ભવ્ય પ્રકલ્પને સાકાર કર્યો છે. લોકાર્પણ થયેલા આ સુવિધાસભર મુક્તિધામમાં લોકો માટે સુંદર બેઠક વ્યવસ્થા, સીસી રોડ, વ્યવસ્થિત પાર્કિંગ, સ્વચ્છ ટોયલેટ-બાથરૂમ અને પર્યાવરણના રક્ષણ અર્થે ઓછા લાકડાનો ઉપયોગ થાય તેવી આધુનિક સગડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી, અંતિમ સંસ્કાર માટેના લાકડા પણ પરિસરમાં જ ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત, મૃતદેહને લાવવા માટે ટ્રસ્ટ દ્વારા ખાસ “રામ રથ” (શવવાહિની)ની વ્યવસ્થા કરાઈ છે અને પરિસરમાં સ્થાપિત ભગવાન મહાદેવની ધ્યાનમુદ્રામાં બિરાજમાન ભવ્ય પ્રતિમા આસ્થાનું મોટું કેન્દ્ર બની છે.

​ટ્રસ્ટના ઉપપ્રમુખ અને વિસ્તારના અગ્રણી આગેવાન શ્રી શૈલેષકુમાર ઠાકરે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, હાલ પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, પરંતુ ભવિષ્યમાં પણ આ મુક્તિધામને વધુ ઉત્કૃષ્ટ અને સર્વસુવિધાસભર બનાવવા તબક્કાવાર નવા વિકાસકામો હાથ ધરાશે, જેના માટે તેમણે દાતાશ્રીઓને ઉદાર હાથે દાન આપવા પુનઃ અપીલ કરી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરતી આભારવિધિ એ.પી.એમ.સી. ખાનપુરના ચેરમેન શ્રી ભુલાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

 

Share

Related posts

ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર : ફીચર્સ અને કિંમત જોઈને કહેશો કે આ જ લેવાય હવે !!

gujaratjanekta

મહિલાઓને ટ્રેનમાં મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત – જાણો વધુ

gujaratjanekta

નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીક નવી દિલ્હીના સભ્ય તરીકે ડો .હિતેશ જી પુરોહિત ની નિમણૂક

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial