સંકેત પંડ્યા – એડિટર
ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે, પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે, એવામાં ઘણી જગ્યાએથી આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલા પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. એવામાં ચૂંટણી પંચે હવે કડક કાર્યવાહી કરી છે.
સુરતના વોર્ડ નંબર 28 પાંડેસરાના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, વોટ કર્યા પછી શરદ પાટીલે મતદાન કેન્દ્ર પરથી વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમને એક હાથમાં ભાજપનું પ્રતીક કમળ પકડ્યું હતું અને લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને એ પછી હવે ચૂંટણી પંચ પણ હરકતમાં આવી ગયું છે.
ચૂંટણી પંચે આ વીડિયો સામે આવ્યા બાદ કાર્યવાહી કરતા શરદ પાટીલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી હતી. આ પછી આ ફરિયાદના આધારે ભાજપના કોર્પોરેટર શરદ પાટીલની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગુજરાતની ઈંધનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર થયું હતું. દરમિયાન વોટ કર્યા પછી પાંડેસરાના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે વીડિયો બનાવ્યો હતો. શરદ પાટીલે લોકોને આ વીડિયોમાં ભાજપને વોટ આપવાની અપીલ કરી હતી.
નોંધનીય છે કે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ થઈ ગઈ છે. બીજા તબક્કાનું મતદાન રાજ્યમાં 5 ડિસેમ્બરના રોજ થવાનું છે. આ દિવસે 93 બેઠકોના મતદારોનું ભાવિ EVMમાં બંધ થઈ જશે અને ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે આવશે. પ્રથમ તબક્કામાં ગઈ વખત કરતા ઓછું મતદાન થયું હોવાના કારણે રાજકીય પક્ષોમાં ચિંતા પણ શરુ થઈ ગઈ છે, જયારે સુરતમાં આમ આદમી પાર્ટીને એવો વિશ્વાસ છે કે તેઓ એ બેઠકો પર જીતશે જ.

