ગોધરા, ૨૫ સપ્ટેમ્બર: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ તથા તેમના જનસેવાના ગૌરવવંતા ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત આજરોજ ગોધરા સ્થિત અંજલિ ડેન્ટલ ક્લિનિક ખાતે એક ભવ્ય અને નિઃશુલ્ક મેગા ડેન્ટલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ૧૮૦થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક દાંતની તપાસ કરાવી હતી તેમજ ૭૦ જેટલા દર્દીઓના નિઃશુલ્ક X-Ray પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મુખની સ્વચ્છતા અને સંભાળ પ્રત્યે જાગરૂકતા લાવવાના હેતુથી ક્લિનિક દ્વારા કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓને વિશેષ ‘ડેન્ટલ અવેરનેસ કીટ’ ભેટ સ્વરૂપે વિતરીત કરવામાં આવી હતી.

આ પ્રસંગે અંજલિ ડેન્ટલ ક્લિનિકના સંચાલક ડો. ચિરાગ ઠાકરે ક્લિનિકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અંજલિ ડેન્ટલ ક્લિનિક હંમેશા દર્દીઓના સંતોષ અને આધુનિક ઉત્તમ સારવાર પૂરી પાડવા માટે કટિબદ્ધ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના લોકસેવાના કાર્યક્રમ યોજવાની પ્રેરણા તેમને તેમના પિતાશ્રી શ્રી શૈલેષભાઈ ઠાકર તરફથી મળી છે, જેના થકી જ આ સુંદર આયોજન શક્ય બન્યું છે.
આ ગરિમામય આયોજનમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી હર્ષદભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી શ્રી કુલદીપસિંહ સોલંકી, ગોધરા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ ભારત વિકાસ પરિષદ (ગોધરા શાખા)ના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પંચમહાલનું ગૌરવ અને જાણીતા લોકગાયિકા અનીતાબેન ગઢવી, સોનલબેન બારોટ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોએ અંજલિ ડેન્ટલ ક્લિનિકની આ મુલ્યવાન સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને તેને વડાપ્રધાનશ્રીના “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના મંત્રને સાકાર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. સમગ્ર આયોજનના અંતે અંજલિ ડેન્ટલ ક્લિનિક અને ઠાકર પરિવાર દ્વારા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ અગ્રણીઓ, તબીબો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

