વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ વધુ એક વખત પોતાની કાર્યદક્ષતાનો પરિચય આપ્યો છે. જન્મજાત ગંભીર ખામી ધરાવતા એક નવજાત શિશુની સફળ સર્જરી કરી તેને નવું જીવન પ્રદાન કર્યું છે.
પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી ૨૪ વર્ષીય કલ્પનાબેનને ૨.૬૦૦ કિલો વજન ધરાવતા બાળકનો જન્મ થયો હતો. જન્મ બાદ તરત જ બાળકમાં ‘ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા’ નામની જટિલ બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ એક એવી સ્થિતિ છે જેમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હોય છે. આ ખામીને કારણે બાળક જે દૂધ પીએ તે અન્નનળીને બદલે શ્વાસનળી વાટે ફેફસામાં જવાની શક્યતા રહે છે, જે નવજાત શિશુ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બાળકની સ્થિતિની ગંભીરતાને જોતા જન્મના માત્ર ૧૧ કલાકમાં જ તેને ગોધરાથી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના એન. આઈ. સી. યુ. માં રિફર કરવામાં આવ્યું હતું.
બાળકના એડમિટ થવાના સાથે જ એસ.એસ.જી. હોસ્પિટલના તબીબોએ સક્રિયતા દાખવી તપાસ હાથ ધરી હતી. બાળકના પિતા કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થયાના બીજા જ દિવસે નિષ્ણાત સર્જરી ટીમ દ્વારા ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. નવજાત બાળકની અન્નનળી અને શ્વાસનળી વચ્ચેના જોડાણને અલગ કરવાની આ સર્જરી અત્યંત પડકારજનક હતી, કારણ કે બાળકના ઓછા વજન અને ઇન્ફેક્શનના જોખમો વચ્ચે સર્જરી પાર પાડવાની હતી.
સફળ સર્જરી બાદ બાળકને ૧૦ દિવસ સુધી મિકેનિકલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન બાળકની અત્યંત સાવધાનીપૂર્વક કાળજી લેવામાં આવી, એન્ટિબાયોટિક્સ આપવામાં આવ્યા અને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ ‘ડાઈ સ્ટડી’ દ્વારા ખાતરી કરવામાં આવી કે, અન્નનળીનું જોડાણ યોગ્ય રીતે થયું છે અને દૂધ સીધું પેટમાં જ જાય છે.
ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર અને એન.આઈ.સી.યુ. નો ખર્ચ પ્રતિદિન ૨૦ થી ૨૫ હજાર રૂપિયા જેટલો થતો હોય છે, ઉપરાંત સર્જરીનો ખર્ચ અલગથી લાગે છે. જો કે, એસ.એસ.જી. હોસ્પિટલમાં આ તમામ જટિલ સર્જરી અને ૨૪ દિવસની સઘન સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહીં, બાળકની માતાને પણ રહેવા-જમવાની પૂરતી સવલતો હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.
એન.આઈ.સી.યુ. માં ૨૪ દિવસની સફળ સારવાર બાદ હવે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને માતાનું દૂધ લઈ રહ્યું છે. બાળક સ્થિર સ્થિતિમાં થયા બાદ યોગ્ય વજન વધારા સાથે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવજાત બાળકના પિતા કલ્પેશભાઈએ આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા રખાયેલી અંગત કાળજી બદલ કામગીરીની પ્રશંસા કરતા આભાર વ્યક્ત કર્યો હતો.
બાળરોગ વિભાગના વડા ડૉ. ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ ડૉ. રિંકી શાહ, ડૉ. વૈશાલી ચનપુરા, ડૉ. કશ્યપ પંડ્યા, ડૉ. રવિશ, ડૉ. અનન્યા અને ડૉ. રચના સહિતની સર્જરી અને પીડિયાટ્રિક ટીમ દ્વારા આ સફળતા હાંસલ કરવામાં આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલની આ સફળતા આરોગ્ય સુવિધાઓમાં એક નવું સોપાન સર કરે છે.

