નગરપાલિકા માંડવી ખાતે મળેલ બેઠકમાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનો પાથરવા, રોડ લાઇટની સુવિધા વધારવા તેમજ વિવિધ વિસ્તારમાં રોડ રિસરફેસિંગ કરવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં દબાણ એરિયામાં ગેરકાયદેસર પાણી / ગટર કનેક્શનનો વપરાશકર્તાઓ પાસેથી વર્ષ વાઇઝ ગણતરી કરી ચાર્જ વસૂલવા નિર્ણય લેવામાં આવ્યો. પીવાના પાણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચોમાસા દરમ્યાન પાણી પુરવઠા તાંત્રિક વિભાગ હસ્તકના તમામ ટ્યૂબવેલના ઈલે. પેનલ બોર્ડને નુકશાન થયેલ હોય જે પુન : ચાલુ કરવા માટે વૉટરપ્રૂફ પ્લાયવૂડ અને લોખંડના એંગલ ખરીદી કામે મંજૂરી આપવામાં આવી. સ્વામિનારાયણ મંદિરથી ભીડ ચોક, ભીડ નાકા, શહીદ ભાગતસિંહ માર્ગ થઈ જૂની ટેલિફોન ઓફિસ સુધી, રઝાક કોલોનીના મુખ્ય રોડ થી ટાવર વાળી શેરી સુધી, કાજી વાળી મસ્જિદ થી મંધરા ફળિયો, બેકરી વાળી શેરી થી વાઘેર ચોક સુધી, દુર્ગાપુર રોડ પર ભૂતનાથ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર થી વેલજી રબડીયાના ઘર સુધી પીવાના પાણીની લાઇનો પાથરવાના કામોને મંજૂરી આપવામાં આવી.
આ ઉપરાંત લક્ષ્મી નારાયણ નગરમાં સોલાર લાઇટો લગાડવા, દુર્ગાપુર ચાર રસ્તા થી શીતલા ઓકટ્રોય સુધી ટાગોર રંગ ભવનથી મહિલા બાગ સુધી એફ. આર. પી. પોલ સાથે લગાડવા કામને તથા નગરપાલિકાની જુદી જુદી મિલકતો પર સોલર લગાડવા કામે અંદાજિત રૂ.૮૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવેલ. નવા મારવાડીવાસની જુદી જુદી શેરીઓમાં સી. સી. રોડ બનાવવા નિર્ણય લેવામાં આવેલ. નગરપાલિકામાં વીજ વપરાશથી સ્વભંડોળ પર ખર્ચનું ભારણ ઘટી જાય તે માટે સોલર પેનલ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો માંડવી નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થાની સુવિધા માટે આર. સી. સી. બેન્ચીસ ગુણવત્તા યુક્ત ન હોવાથી કડક સૂચનાઓ આપ્યા બાદ કોન્ટ્રાક્ટર આકાશ ભેસાણીયાને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. અતિ ભારે વરસાદ અથવા વાવાઝોડા સમયે વીજ પુરવઠો ન હોય તેવા સંજોગોમાં લોકોને પીવાના પાણી જેવી સગવડથી વંચિત ન રહે તથા માધવ નગર વિસ્તારમાં વરસાદી પાણી નિકાલમાં કોઈ પણ પ્રકારે અગવડ ન થાય તેના માટે જનરેટર સેટ મંજૂર કરવામાં આવ્યા.
આ બેઠકમાં જસૂબેન હલાઈ, વિજય ગઢવી, પ્રેમજી કેરાઈ, વિજય ચૌહાણ વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. મુખ્ય અધિકારી જીગ્નેશ બારોટ, હેડ ક્લાર્ક મનજી પરમાર, ચેતન જોષી, મ્યુનિસિપલ ઇજનેર હરપાલ ગઢવી, ભૂપેન્દ્ર સલાટ, મયુરસિંહ ઝાલા, હિતેશ મૂછડિયા, સાવનસિંહ રાઠોડ, મેહુલ ભટ્ટ, પ્રકાશ પરમાર હાજર રહ્યા હતા.

