પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લામાં વેચાતી ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમૂનાઓ લઈ નિયમોનુસાર તપાસણી અર્થે રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. શંકાસ્પદ નમૂનાઓમાંથી ૪ ખાદ્ય-ચીજોના નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા જિલ્લા એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી, ગોધરા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ ૪ સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજોના વેચાણ કરવા બદલ જવાબદાર પેઢીઓને કુલ રૂ. ૪,૭૫૦૦૦/- (ચાર લાખ પંચોતેર હજાર પુરા) નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જે પૈકી સબ સ્ટાન્ડર્ડ મીક્સ મિલ્ક (લુઝ)ના વેચાણ કરવા બદલ ગોધરા નગરના ભુરાવાવ ચાર રસ્તા પાસે આવેલ જગદીશ મિલ્ક ડેરી (વિક્રેતા પેઢી)ને રૂ.૨૫૦૦૦/-, સબ સ્ટાન્ડર્ડ બફેલો મિલ્ક (લુઝ)ના વેચાણ બદલ પાવર હાઉસ રોડ પર ભુરાવાવ ચાર રસ્તા પાસે આવેલ આઈ શ્રી ખોડીયાર દુધ ઘર (વિક્રેતા પેઢી)ને રૂ.૨૫૦૦૦/- અને સબ સ્ટાન્ડર્ડ મીક્સ મિલ્ક (લુઝ)ના વેચાણ કરવા બદલ મુ.પો.તાલુકા ઘોઘંબામાં આવેલ બેંક ઓફ બરોડાની સામે મે.મહાકાળી ડેરીને રૂ.૧૦૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ સબ સ્ટાન્ડર્ડ ગાય ઘી (ખુશાલી બ્રાન્ડ)ના વેચાણ કરવા બદલ કાલોલ તાલુકાના નવા પૂરા રોડ પર આવેલ મે.મોહીત પ્રોવિઝન સ્ટોર, કાલોલ તાલુકાના મેઈન બજાર ખાતે આવેલ મે.ઓમ સેલ્સ એજન્સી અને જામનગર જિલ્લામાં રવાની ખીજડીયામાં ફલ્લા ગામ પાસે જામનગર – રાજકોટ હાઇવે પર આવેલ મે.ક્રિષ્ણા ટ્રેડિંગ કંપની એમ ત્રણેયને અનુક્રમે રૂ.૫૦૦૦/-, રૂ.૧૦૦૦૦/- અને રૂ. ૪૦૦૦૦૦/- નો દંડ ફટકારાયો છે.
આમ, ઉકત ૪ સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજોનું વેચાણ કરતી જવાબદાર પેઢીઓને ફૂડ સેફ્ટી એક્ટ -૨૦૦૬ અંતર્ગત પંચમહાલ જિલ્લાના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા કુલ રૂ. ૪,૭૫૦૦૦/- (ચાર લાખ પંચોતેર હજાર પુરા) નો દંડ કરવામાં આવ્યો હોવાનું પંચમહાલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા એક યાદીમાં જણાવાયું છે

