ગુજરાત સહીત દેશભરમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. મંત્રીઓથી લઈ કાર્યકરો સુધી હાલ ભાજપ સદસ્યતા અભિયાનને લઈ વ્યસ્ત છે. આ બધાની વચ્ચે ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે બન્યું તે ખરેખર ચોંકાવનારું અને ખળભળાટ મચાવી દે તે વાસ્તવમાં પત્રકાર પરિષદ દરમિયાન ભાજપના બે દિગ્ગજ નેતા પોતાની વાતચીતમાં ભૂલી જ ગયા કે મીડિયાનું માઇક ચાલુ છે. આ દરમિયાન તેઓ સદસ્યતા અભિયાનને લઈ વાતચીત કરતાં જોવા મળ્યા હતા. આ વાતચીત વખતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે તો એટલા સુધી કહી દીધું કે, ‘કાઢી મેલે તો, કાઢી મેલે’ !!
ગાંધીનગરમાં રવિવારે મળેલી કેબિનેટ બેઠક બાદ જ્યારે પત્રકારોને સંબોધિત કરવાની તૈયારીમાં હતા ત્યારે આ ઘટના બની હતી. વાસ્તવમાં પત્રકાર પરિષદ દરમિયાન જગદીશ વિશ્વકર્મા અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ મંચ પર બંને એક બીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, પાર્ટી એનાલિસિસ કરતી જાય છે જ્યારે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ‘કાઢી મેલે તો, કાઢી મેલે’ વાસ્તવમાં જ્યારે આ બંને નેતાઓ વાતચીત કરતાં હતા ત્યારે તેમની પાસે મીડિયાના બૂમ માઇક પણ પડેલા હતા.

