સંકેત પંડ્યા – એડિટર
પોલીસ જવાન તેમજ લોકોના સમયની બચત થાય તે માટે ગુજરાત પોલીસ એક મહત્વની સેવા શરૂ કરવા જઇ રહી છે. વધતી ટેકનોલોજીની સાથે પોલીસની મહત્વની સેવાઓમાં e-FIR જોડાઇ છે. તેમાં વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે. જેથી મોબાઇલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા હવે ભૂતકાળ બનશે તેમ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ.
માત્ર 72 કલાકમાં સમસ્યાનું સમાધાન.
પ્રાપ્ત માહિતી મુજબ FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે. જેમાં હવે ઘરે બેઠા FIR નોંધાવી શકાશે. તેમાં નાગરિકો હવે પોતાના મોબાઈલથી પોલીસ ફરીયાદ નોંધાવી શકશે. જેમાં રાજ્યના ગૃહ વિભાગે કાર્યપ્રણાલી જાહેર કરી છે. તેમાં ફરીયાદના 48 કલાકમાં પ્રાથમિક અહેવાલ સોંપવાનો રહેશે. તેમજ 72 કલાકમાં સમગ્ર પ્રક્રિયાનો નિકાલ લાવવાનો રહેશે તથા બોડીવોર્ન કેમેરા અને ત્રિ-નેત્ર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે.
ફરીયાદની માહિતી મેસેજ કે મેઇલથી મળી જશે
ફરિયાદ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડશે નહી. તેમજ ફરીયાદની માહિતી મેસેજ કે ઈ મેઈલથી મળી જશે. શરુઆતમાં માત્ર મોબાઇલ અને વાહન ચોરીની ફરિયાદ નોંધાશે. e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIR માં રૂપાંતરિત કરવામાં આવશે. વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે
સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશનર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશનર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતીકાલે ગાંધીનગરના પોલીસ ભવન ખાતે આયોજિત ‘ઈનોગ્રેશન ઑફ સ્માર્ટ પોલિસિંગ ઈનીશિયેટીવ ઑફ ગુજરાત પોલીસ’ નામે કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) ના વાહનોને ફ્લેગ ઑફ આપવામાં આવશે. સાથે-સાથે મોટાભાગના પોલીસ કર્મીઓના શરીર પર લગાડવામાં આવનારા બૉડી વોર્મ કેમેરાનું પણ રોલઆઉટ કરવામાં આવનાર છે.

