સાહિલ શેખ – પત્રકાર
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે પોતાના મકાનમાં ચાલતા સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભાડું ન ચુકવાતા મકાન માલીક ને જ તાળું મારવાનો વારો આવ્યો છે. સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક સારવાર અને તમામ સુવિધા મળી રહે તે માટે ખુલ્લું રાખવાનું હોય છે જેથી કરીને આજુબાજુના ગામની મહિલાઓને તાત્કાલિક પ્રસુતિ કરાવી શકાય. આટલા મોટા સેન્ટર અને આટલું મોટું ગામ હોવા છતાં 10 મહિનાથી મકાન માલિકને સરકારના નીતિ નિયમ મુજબ દર મહિને ₹. 23,500 ચૂકવવાના નક્કી કર્યા હતા પરંતુ આજ દિન સુધી આ રકમ ચૂકવવામાં આવી નથી.

વારંવાર મકાન માલીકે ભાડા માટે માંગણી કરી હતી પરંતુ દર વખતે એક જ જવાબ આપતા રહ્યા કે તમારી ફાઈલ આગળ ગાંધીનગર ખાતે મોકલી આપી છે ત્યાથી જ બધો વહીવટ થાય છે અને આવી જશે તેવુ આશ્વાસન દર વખતે મકાન માલીકને મળતુ રહ્યુ. આ માટે મકાન માલીકે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી જેમાં બે વાર જિલ્લામાં તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષકને નોટિસ પણ આપી હતી પરંતુ આજદિન સુધી ભાડું ચૂકવવામાં ન આવ્યુ. મકાન માલીક હીનાબેન દક્ષેશભાઈ પટેલ ૭ દિવસ અગાઉ અધિક્ષકને લેખિતમાં નોટિસ આપીને જણાવ્યું કે જો મને ૭ દિવસમાં મારું ભાડું નહીં ચૂકવાય તો હું આરોગ્ય દવાખાનાને તાળા મારી દઈશ. અને આજ રોજ મકાન માલિકે સવારથી સામુહિક આરોગ્ય કેન્દ્રને તાળું મારી દીધું. જેથી કરીને સંખ્યાબંધ અહી આવતા દર્દીઓ અટવાયા હતા. એક બાજુ મકાન માલિકે તાળું મારીને દવાખાનુ બંધ કર્યું ત્યારે બીજી બાજુ તબીબોની હડતાલને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ના છૂટકે દર્દીઓની તાત્કાલિક સારવાર કરવા માટે કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી દવા ગોળી લાવી આપીને કામ ચલાવવું પડ્યું હતું. આરોગ્ય શાખાનો સંપૂર્ણ સ્ટાફ કલાકો સુધી અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્રની પાછળ બેસી રહ્યો પરંતુ દર્દીને જવાબ આપે તો શું આપે ??

આ ઘટનાની જાણ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા અને મકાન માલીક સાથે વાતચીતના અંતે દવાખાનું ખોલવા માટે જણાવ્યું હતું ત્યારે દક્ષેશભાઈ પટેલે અધિકારીઓને જણાવેલું કે જો મને ૭ દિવસમાં ભાડું ચૂકવવામાં નહીં આવે તો હું ફરી તાળું મારી દઈશ. ત્યારે જોવાનુ એ રહ્યું કે શુ દક્ષેશભાઇ પટેલને અગાઉ સરકારી કર્મચારીઓ જે પ્રમાણે આશ્વાસન આપતા રહ્યા તેમ ફરી ૭ દિવસ પછી કરેલા વાયદો પુરો કરશે કે નહી ?!

