ભરૂચએક કલાક પહેલા
કૉપી લિંક
સ્થાનિક ઔદ્યોગિક એકમોમાં આગામી એક મહિના સુધી કામદારોની મોટી ખોટ પડશેઅંકલેશ્વર-પાનોલી વસાહતોમાં એક લાખ જેટલા કામદારો પૈકી મોટાભાગના ઉત્તર ભારતીયછેલ્લા ચાર દિવસોમાં ટ્રેન તેમજ બસના માધ્યમોથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જવા નીકળ્યા
અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોએ હોળી-ધુળેટીના પર્વને લઇને વતનની વાટ પકડતાં ઉત્પાદનની પ્રક્રિયા પર તેની અસર થવાની શક્યતા વર્તાઈ છે.
હોળી ધુળેટીને કારણે અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં ખાસ કરીને પરપ્રાંતિય કામદારોની નોંધપાત્ર ઘટ પડતા સ્થાનિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોળી ધુળેટીને કરવા અનેક પરપ્રાંતિય કામદાર પરિવારો માદરે વતન તરફ કૂચ કરી છે. ઉત્તરપ્રદેશ, બિહાર તેમજ રાજસ્થાનના અનેક કામદારો પોતાના પરિવારો સાથે પોતપોતાના વતનમાં પહોંચી ગયા છે. છેલ્લા ચાર દિવસોમાં ટ્રેન તેમજ બસના માધ્યમોથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જવા નીકળી રહ્યા છે. ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સના ધંધાર્થીઓને લાંબા સમય બાદ તેજીનો આસ્વાદ માણવા મળ્યો છે. તો ટિકિટ બુકિંગ એજેન્ટોને પણ ખાસ્સો એવો આર્થિક લાભ થયો છે.
જો કે સ્થાનિક ઉદ્યોગ એકમોના સંચાલકોની મુશ્કેલીઓ વધવા પામી હતી. એક અંદાજ મુજબ અંકલેશ્વર, પાનોલી વસાહતોમાં એક લાખ જેટલા કામદારો પૈકી મોટાભાગના કામદારો ઉત્તર ભારતીયો છે. જે પૈકી મોટાભાગના કામદારો હોળી ધુળેટી પર્વ અગાઉ પોત પોતાના માદરે વતનમાં પહોંચી જાય છે. જેની પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે. હાલમાં સ્થાનિક ઉદ્યોગોમાં કામદારોની દેખીતી ઘટ જોવા મળી રહી છે. જે અંકલેશ્વરના ઉદ્યોગ જગત ઉપર આગામી એક દોઢ મહિના સુધી વર્તાશે તેવું અનુમાન લગાવી શકાય.
ઉત્તર ભારતીય કામદારો સહ પરિવાર પોતાના વતન જતા હોય છે અને તેને પરિણામે એકથી દોઢ મહિના બાદ પરત ધંધા-રોજગાર અર્થે આવતા હોવાથી સ્થાનિક ઉદ્યોગ સંચાલકો માટે કામદારોની મોટી અછત સહન કરવાની નોબત સર્જાતી હોય છે. નોંધનીય છે કે અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતોના મોટાભાગના કારખાનામાં પરપ્રાંતિય કામદારો મોટી સંખ્યામાં કામ કરે છે, પરિણામે આગામી એક-દોઢ મહિના સુધી તમામ ઉદ્યોગ સંચાલકોએ વૈકલ્પિક કામદારોની હંગામી ભરતી કરવી પડતી હોય છે અને તેની સીધી અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે.
આવા જ હાલ હવાલ બાંધકામ ક્ષેત્રે પણ જોવા મળી રહ્યા છે. દાહોદ-ગોધરા સહિતના વિસ્તારોમાંથી આવતા શ્રમજીવીઓ પણ હોળી ધુળેટી મનાવવા પોત પોતાના માદરે વતન પહોંચી ગયા છે. જેના પરિણામે સ્થાનિક સહિત અનેક બાંધકામ પ્રોજેક્ટની કામગીરી આગામી 15 દિવસ સુધી ઠપ્પ થઈ જવા પામશે.
અન્ય સમાચારો પણ છે…

