ગુજરાતમાં જ્યા જુઓ ત્યાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તેવામાં અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પર ગઇ કાલે તલવારો વડે હુમલો થતાં ચકચાર મચી ગઇ છે. રખિયાલમાં આવેલી ઇબ્રાહીમની ચાલીમાં રખિયાલ પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ આરોપીને પકડવા માટે ગઇ હતી. આરોપી નહીં મળી આવતાં પોલીસની ટીમ પરત ફરી હતી ત્યારે ચાર શખ્સો તલવાર લઈને આવ્યા હતા અને તમે અહીંયાં કેમ આવ્યા છો? તેમ કહીને હુમલો કરી દીધો હતો. પોલીસ પર હુમલો ચાલુ હતો ત્યારે એક શખ્સે પોલીસ કર્મચારીના માથામાં તલવાર મારી દીધી હતી. ગઈ કાલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો, જેમાં પોલીસ આરોપીને પકડવા માટે ગઇ હતી.
જયદેવભાઇ જાદવે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ચાર બુટલેગર વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. જયદેવભાઇ રખિયાલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવે છે. ગઈ કાલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો, જેથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે સર્વેલન્સ સ્ક્વોડની ટીમે કામગીરી શરૂ કરી હતી. આિમર ઉર્ફે તિવારી પઠાણ, ફૈઝાન ઉર્ફે પતલી કુરેશી, ઇશાક પઠાણ અને સરવર ઉર્ફે બિરાદર રાજપૂતને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી.
ચારેય શખ્સોએ પોલીસની ટીમ પર હુમલો કરી દીધો હતો અને તેમને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન મોહંમદ સરવરે જયદેવભાઈના માથામાં તલવારનો એક ઘા ઝીંકી દીધો હતો. જયદેવભાઇના માથામાંથી લોહી નીકળતાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા, જ્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટના બાદ હુમલાખોરો તલવારો લઈને નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત જયદેવભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ રખિયાલ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જયદેવભાઈની ફરિયાદના આધારે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ચારેય આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે, જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફૈઝાનના ઇશારે ચારેય શખ્સોએ રખિયાલ પોલીસની ટીમ પર હુમલો કર્યો હોવાનું પ્રાથિમક તપાસમાં સામે આવ્યું છે.
મકાનનો કબજો કાકાને આપવાના મામલે યુવક પર હુમલો થયો હતો
રખિયાલ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા મોહંમદ ફરહાન પઠાણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં આમિર પઠાણ, ફૈઝાન કુરેશી, ઇશાક પઠાણ, સરવર વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ ગઈ કાલે કરી હતી. મોહંમદ ફરહાન કાજલ ઇલેક્ટ્રોનિકની દુકાન દ્વારા ટીવી રિપેરિંગનું કામ કરે છે. મોહંમદ ફરહાનના મકાનના બે ભાગ છે, જેમાં એકમાં તે તેના પરિવાર સાથે રહે છે, જ્યારે બીજા ભાગમાં તેના કાકા ઇમરાન પઠાણ તેમના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે મોહંમદ ફરહાન તેની દુકાન પર હાજર હતો ત્યારે આિમર પઠાણ, ફૈઝાન કુરેશી, ઇશાક પઠાણ, સરવર હાથમાં તલવારો અને બેઝબોલ સ્ટિક લઈને આવ્યા હતા. ચારેય જણા મોહંમદ ફરહાનને કહેવા લાગ્યા હતા કે તમે મકાનનો અડધો ભાગ લઈને બેઠા છો, આ મકાનનો કબજો પૂરેપૂરો કાકા ઇમરાન પઠાણને આપી દો. મોહંમદ ફરહાન કંઈ બોલે તે પહેલાં ચારેય જણાએ તેના પર તલવારોથી હુમલો કરી દીધો હતો, જ્યારે દુકાનમાં પણ તોડફોડ કરી દીધી હતી. આ મામલે રખિયાલ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી.

