સંસ્કારી નગરી વડોદરાના ખ્યાતનામ VNF ગરબા ગ્રાઉન્ડથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ખેલૈયાઓ જ્યાં ભક્તિ અને ગરબાના રંગે રંગાવા આવે છે, ત્યાં જ ગરબા ગ્રાઉન્ડ રણમેદાન અને અખાડામાં ફેરવાઈ ગયું હતું.
ગરબા રમતી વખતે ભારે ભીડ વચ્ચે સતત થતી ધક્કામુક્કી, અસભ્ય વર્તન ના કારણે મહિલાઓનો પારો છટક્યો હતો. નજીવી બાબતમાં શરૂ થયેલી બોલાચાલીએ ક્ષણભરમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં બે મહિલા જૂથ વચ્ચે સામસામે ચોટલા પકડીને છૂટાહાથની મારપીટ અને લાતો-મુક્કાનો ખેલ શરૂ થઈ ગયો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસ રમી રહેલા ખેલૈયાઓમાં પણ ભારે નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.
બાઉન્સરો અને પોલીસ દોડતી થઈ, પણ વ્યવસ્થાના ધાંધિયા છતા થયા!
ગ્રાઉન્ડ પર સ્થિતિ કાબૂ બહાર જતાં VNF સંચાલકના મહિલા બાઉન્સરો અને સ્થાનિક પોલીસે વચ્ચે પડીને માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ ઘટનાએ આયોજકોની સિક્યુરિટી અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે. ગ્રાઉન્ડની અંદર છેડતી અને ભીડ પર કાબૂ મેળવવામાં આયોજકો સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે
મોટી મોટી વાતો અને પાસના નામે ધતિંગ, પણ સુરક્ષા રામ ભરોસે!
ગરબાના પાસ વહેંચવામાં અને અંદર એન્ટ્રી આપવામાં પોતાની મનમાની ચલાવતી આયોજક સમિતિ ખેલૈયાઓની સુરક્ષા જાળવવામાં સાવ વામણી પુરવાર થઈ છે. ‘સુરક્ષિત ગરબા’ની મોટી મોટી ગુલબાંગો પોકારતા આયોજકો ગ્રાઉન્ડ અંદર થતાં આવા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ પ્રકારના અણઘડ આયોજનને કારણે હવે ખેલૈયાઓ અને વાલીઓ આયોજકોની કામગીરી સામે ભારે ફિટકાર વર્સાવી રહ્યા છે.

