દાહોદ: અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા દાહોદ ઝોન કક્ષાનો ભવ્ય વણકર દિવસ ઉજવણી કાર્યક્રમ દાહોદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પંચમહાલ, ગોધરા, મહીસાગર, લુણાવાડા, સંતરામપુર તથા દાહોદ વિસ્તારના વણકર સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો.
આ પ્રસંગે સમાજના મહાનુભાવો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી આર.ડી. વણકર, નિવૃત્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, દાહોદ, શ્રી કે.પી. વાઘેલા, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી, પંચમહાલ, શ્રી ગોપાલભાઈ ધાનકા, પ્રમુખ, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી ભીખાભાઈ, સંતરામપુર, શ્રી પ્રદીપભાઈ ચૌહાણ, લુણાવાડા, શ્રી વાલજીભાઈ પરમાર, સંતરામપુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજ માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહાનુભાવો તેમજ ત્રણેય જિલ્લાના હોદ્દેદારો સહિત આશરે ૩૫ જેટલા ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિતોને સન્માનપત્ર, શાલ અને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વણકર દિવસની ઉજવણીના આ પ્રસંગે સમાજની એકતા, સંગઠન, શિક્ષણ અને સામાજિક વિકાસ અંગે સૌએ સાથે મળીને કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વણકર સમાજના ભાઈ-બહેનોમાં ઉત્સાહ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી દિનેશભાઈ પરમાર, પ્રમુખ – મહીસાગર, શ્રી નરેશભાઈ ચાવડા તથા શ્રી વેચાતભાઈ – પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે દાહોદ ઝોન સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સમાજના ભાઈ-બહેનો તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આપેલા સહયોગ બદલ આયોજકો દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

