વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 12 માસૂમોના જીવ ગયા છે. જેમાં 10 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે 12 બાળકો અને 2 શિક્ષકોનો રેકક્યૂ કરાયું છે. આપને જણાવી દઈએ કે, આ બોટમાં ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત 23 લોકો સવાર હતાં. જે દર્દ દ્વારક ઘટનાના પગલે અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દૂર્ઘટના પગલે દુ:ખ વ્યક્ત કરતા એક્સ પર લખ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી
હરણી લેક ઝોન ખાતેના તળાવમાં ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બોટ પલટી મારતા લોકોના ટોળે ટોળા તળાવ પર ઉમટ્યા છે.
કલેક્ટર તેમજ મેયર અને સ્ટેડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. વિગતો મુજબ બોટમાં 4 શિક્ષકો પણ સવાર હતા. 12 વિધાર્થીઓનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિધાર્થીઓ હોવાની પણ માહિતી સામે આવી છે.

