સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
વડોદરામાં આજે ગણેશ ચતુર્થીએ ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઓનું આગમન થઇ રહ્યું છે. ગણેશજી ની સ્થાપના કરવા માટે મંડળના લોકો મહિનાઓ પહેલાથી તૈયારીમાં જોડાઇ જાય છે અને ગણેશ ચતુર્થીના શુભ દિવસની અને ચોઘડીયાની રાહ જોતા હોય છે કે, તેમના બાપ્પાનુ ધુમધામથી આગમાન કરે અને દશ દિવસ સુધી તેમના સેવા કરે. પરંતુ આજે શહેરના દિવાળીપુરા વિસ્તારમાં જે બન્યું તે ખુબ જ આઘાતજનક છે. ધુમધામથી લવાતી શ્રીજીની મૂર્તિ રસ્તા પરના ખાડાના કારણે ટ્રોલી આખી પલ્ટી મારી અને મૂર્તિ ખંડીત થઇ હતી. જોકે આ ડેપ્યૂટી મેયર ચિરાગ બારોટનો વિસ્તાર છે. શહેરના ડે. મેયર ચિરાગ બારોટના વોર્ડ-11ના રસ્તાઓની જો આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે ?

સ્માર્ટ સિટીના રસ્તાઓ પરના ખાડા કોઇ નવી વાત નથી અનેક વખત આ ખાડાઓના કારણે અકસ્માત સર્જાય છે અને આવા અકસ્માતમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યાં છે તેમ છતાં ભ્રષ્ટ તંત્ર અને તેના અધિકારીઓના પેટનુ પાણી પણ હલતુ નથી અને આવી ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે
ગણેશ મંડળના સભ્યો દ્વારા ટ્રોલી ખેંચીને શ્રીજીની પ્રતિમા તેમના મંડપ સુધી લઇ જઇ રહ્યાં હતા. ત્યારે દિવાળીપુરા કોર્ટ પાસે પહોંચતા એક તરફના રસ્તા પર પાણી ભરાયેલું હતુ. જેથી કોર્ટ તરફના રસ્તેથી ટ્રોલી લઇ જવામાં આવી રહીં હતી. આ દરમિયાન રસ્તા પરના ઝાડ નળતરૂપ બન્યાં હતા. આ સાથે જ રસ્તા પરના ખાડામાં ટ્રોલીનુ વ્હિલ ખાબકતા આખી ટ્રોલી પલ્ટી મારી ગઈ હતી અને શ્રીજીની પ્રતિમા ખંડીત થઇ હતી. આ ઘટનાને લઇ શહેરના ભ્રષ્ટ તંત્ર સામે અનેક ગણેશ મંડળો અને નાગરીકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે આની પાછળ જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવા પણ લોકોમાં માંગ ઉઠી છે. કહેવાય છે કે, જો રસ્તા પરના આ ખાડા સમયસર પાલિકા દ્વારા પુરી દેવામાં આવ્યાં હોત તો આ પ્રકારની દુઃખદ ઘટના બની ન હોત.

