પશ્ચિમ બંગાળમાં પ્રખ્યાત ગાયક અરિજીત સિંહના એક કાર્યક્રમને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) તેમના એક કાર્યક્રમને રદ કરવાને લઈને મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધી રહ્યું છે. ભાજપનો આરોપ છે કે સરકારે તેના રાજકીય રંગને કારણે કાર્યક્રમ રદ કર્યો છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે જી-20 કાર્યક્રમ સાથે તારીખની અથડામણને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
બીજેપીના અમિત માલવિયએ શો કેન્સલ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે આવું એટલા માટે થયું કારણ કે કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે અરિજીત સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે તેમનું પ્રખ્યાત ગીત ‘રંગ દે તુ મોહે ગેરુઆ’ ગાયું હતું.
આ ગીત શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ દિલવાલેનું છે અને અરિજીતના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક છે. અરિજિતે ત્યાં કેટલાક બંગાળી ગીતો પણ ગાયા પરંતુ રંગ દે તુ મોહે ગેરુઆ વધુ ચર્ચિત છે. ભાજપનો આરોપ છે કે મમતા ગેરુઆ ગીત પર ચિઢાઈ ગયા છે.
પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમે કહ્યું કે અરિજીત સિંહના કાર્યક્રમ માટે પરવાનગી આપવામાં આવી નથી કારણ કે આ જ ઈકો પાર્કમાં જી-20 કાર્યક્રમ પણ યોજાવા જઈ રહ્યો છે. ફિરહાદ હકીમે કહ્યું, ‘ઈકો પાર્કની સામે કન્વેન્શન હોલમાં ભારતના G-20 પ્રેસિડન્સી સંબંધિત એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અહીં અરિજીત સિંહનો સંગીતનો કાર્યક્રમ થવાનો હતો. આ કાર્યક્રમમાં ઘણા વિદેશી મહેમાનો આવવાના છે. જેના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમે કહ્યું, ‘અરિજિત સિંહના શો માટે જોરદાર ભીડ એકઠી થઈ હોત અને તેને સંભાળવું મુશ્કેલ બન્યું હોત. પોલીસને લાગ્યું કે આટલી મોટી ઘટનાના આયોજનથી કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે.’
ક્યારે થવાનો હતો અરિજીત સિંહનો કાર્યક્રમ
અરિજિત સિંહનો કોન્સર્ટ 18 ફેબ્રુઆરીએ યોજાવાનો હતો પરંતુ હવે સરકારે કહ્યું છે કે આ શોને બીજે ક્યાંક શિફ્ટ કરવામાં આવે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 20 જાન્યુઆરીએ આ જ જગ્યાએ સલમાન ખાનનો શો પણ યોજાશે.
શું છે ભાજપની પ્રતિક્રિયા?
બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયએ કહ્યું, ‘અરિજીત સિંહનો શો રદ કરવામાં આવ્યો કારણ કે તેમણે મમતા બેનર્જીની સામે ‘ગેરુઆ’ ગાયું હતું. અમિતાભ બચ્ચને કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જગ્યાના અભાવ વિશે વાત કરી હતી. તે HIDCO દ્વારા રદ કરવામાં આવ્યું હતું.’
આવો જ એક વિવાદ મિથુન ચક્રવર્તી અભિનીત બંગાળી ફિલ્મ ‘પ્રજાપતિ’ની રિલીઝને લઈને થયો. પશ્ચિમ બંગાળ સરકારે તેને સરકાર દ્વારા સંચાલિત નંદન થિયેટરમાં રિલીઝ કરવાની મંજૂરી આપી ન હતી. આરોપ લાગ્યો કે આ ફિલ્મમાં મિથુન હોવાને કારણે સરકારે આ નિર્ણય લીધો.

