સંકેત પંડ્યા – એડિટર
પ્રદીપ ત્રિવેદી-સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ
ગરબાની રમઝટ અને મેટ્રો ટ્રેન ની ધમધમાટ વચ્ચે ગુજરાતના આંગણે.. ખેલાડીઓ ની ધડબડાટી પણ…સંભળાવાની છે!
આપણા દેશનો સૌથી ઝડપી રમતવીર યાને “ફાસ્ટેસ્ટ એથલેટ ઓફ ધ ઇન્ડિયા”… આપણને… રાજકીય રમતો ના મેદાન માટે વિખ્યાત એવા ગાંધીનગરના મેદાનમાં થી મળશે! જ્યારે “ફાસ્ટેસ્ટ સ્વિમર ઓફ ઇન્ડિયા ” આપણને…. કાઠિયાવાડી ભોજન માટે વિખ્યાત એવા રંગીલા રાજકોટના ‘સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્સ ‘ માં થી મળશે.
વિકાસની હરણફાળ ભરતા અને દેશના મોડેલરૂપ એવા ગુજરાતના આંગણે સૌ પ્રથમવાર “નેશનલ ગેઇમ્સ “યોજાઈ રહ્યો છે. ગુજરાત બિઝનેસ હબ સાથે રમતગમત નું પણ હબ બની રહ્યું છે. ગુજરાતના ખેલાડીઓ એ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ઓલિમ્પિક તેમજ કોમનવેલ્થ ગેઇમ્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરી ને ગુજરાતનું તેમજ ભારત દેશનું નામ રોશન કરેલ છે. ગુજરાત હવે ઓલિમ્પિક ના આયોજન માટે પણ કમર કસી રહયુ છે… ત્યારે આ નેશનલ ગેઇમ્સ તેની પૂર્વ તૈયારી રૂપ ગણી શકાય.ગુજરાતમાં હવે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વર્લ્ડ લેવલનું અત્યાધુનિક વિકસી રહ્યું છે. સ્પોર્ટ્સનું મહત્વ સમજનાર નરેન્દ્રભાઈ મોદી એ” ખેલમહાકુંભ “દ્વારા આખા દેશ ના ખૂણે ખૂણે થી રમતવીરોને રમવાની અને કૌશલ્ય દર્શાવવાની અણમોલ તક આપી છે. તેઓ સમજતા હતા કે તંદુરસ્ત અને ખેલદીલ ભર્યો સમાજ વિક્સવવા માટે રમતગમત ને પ્રાધાન્ય આપવું જ રહ્યું. આજે ભારત “સ્પોર્ટ્સ કન્ટ્રી “બની ને ઉભરી રહ્યું છે તેનું મૂળ આ ખેલ મહાકુંભ અને વિવિધ રમતોતસવો નાઆયોજનો અને પ્રોત્સાહનો છે.
નેશનલ ગેઇમ્સ :
ગુજરાતમાં સૌપ્રથમવાર “36માં નેશનલ ગેઇમ્સ “નો પ્રારંભ 29મી સપ્ટેમ્બર થી થઇ રહ્યો છે. જે 12મી ઓક્ટોબર સુધી ગુજરાત ના વિવિધ છ જેટલાં શહેરોમાં રંગે ચંગે યોજાશે.
મજાની વાત તો એ છે કે આ નેશનલ ગેઇમ્સ, ગુજરાત જેના માટે વિશ્વાખ્યાત છે તેવા નવરાત્રીના સમયગાળા દરમ્યાન અને ખુબ જ ખુશ્બુદાર મૌસમ માં યોજાઈ રહ્યો છે. ભારતના ખેલાડીઓને ગુજરાતના ચટપટ્ટા, રસમધુર વ્યંજનો અને તેનું ભાવમય આતિથ્ય માણવા મળશે.ગુજરાતની અણમોલ સંસ્કૃતિના અને એશિયામાં સિંહ ધરાવતા એક માત્ર ગુજરાતમાં સિંહના દર્શન પણ થશે. ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ હમણાંજ ઉજવાયો છે ત્યારે દેશભરના રમતવીરો આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી ના જન્મસ્થળ અને સાબરમતી આશ્રમ, સરદારવલ્લભભાઈ પટેલ ની જન્મભૂમિ અને સૌથી મોટું ‘વર્લ્ડ’સ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી “જોવાનો પણ લ્હાવો મળશે.
નેશનલ ગેઇમ્સનો ઇતિહાસ જોઈએ તો… સૌપ્રથમવાર 1924ની, ફેબ્રુઆરી માં દિલ્હી ખાતે ‘ઇન્ડિયન ઓલીમ્પિક્સ ગેઇમ્સ” નું આયોજન કરવામાં આવ્યું હતું.I O A ના સેક્રેટરી ડૉ. નોહેરેન એ આ પ્રથમ રમતોત્સવ વિશે લખ્યું હતું કે ” “ઑલ ઇન્ડિયા એથલેટિક કાર્નિવલ, ભારતમાં યોજાનાર તેના પ્રકારના અત્યાર સુધીનો સૌથી મહાન અને સૌથી વધુ રમતના ખેલાડીઓ નો મેળાવડો, તાજેતરમાં દિલ્હી ખાતે ઉજવવામાં આવ્યો.” જેમાં 70 જેટલાં ખેલાડીઓ એ ભાગ લીધો હતો.
ત્યાર પછી દર બે વર્ષે આવા રમતોત્સવ યોજાતા રહ્યા.
“નેશનલ ગેઇમ્સ “ના નામ હેઠળ સૌપ્રથમ રમતોત્સવ 1940માં “બોમ્બે (મુંબઈ )ખાતે,.. નવમાં રમતોત્સવ થી ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછી દર બબ્બે વર્ષે “નેશનલ ગેઇમ્સ ” ભારતના વિવિધ રાજ્યોના વિવિધ શહેરો માં યોજાતો રહ્યો.
1985માં જયારે નવી દિલ્હી ખાતે 26મોં ‘નેશનલ ગેઇમ્સ ‘ યોજાયો ત્યારે…એ ‘સમર ઓલિમ્પિક ‘ના ફોર્મેટ પ્રમાણે ‘નેશનલ ગેઇમ્સ ‘યોજાવો શરુ થયો.
છેલ્લે 2015માં કેરલા ખાતે 35મોં નેશનલ ગેઇમ્સ યોજાયો હતો. જેમાં 33 રમતો ની 405 ઇવેન્ટ,36 ટીમો ના 7,744 જેટલાં ખેલાડીઓ રમ્યા હતા. આ રમતોત્સવ માં 91ગોલ્ડ સાથે સર્વિસીસ પ્રથમ,54ગોલ્ડ સાથે યજમાન કેરલા દ્વિતીય અને 40ગોલ્ડ સાથે હરિયાણા તૃતીય સ્થાને રહ્યું હતું. ગુજરાતે 10ગોલ્ડ સાથે નવમું સ્થાન મેળવ્યું હતું.
આ પછી 2020માં ગોવા ખાતે 36મોં નેશનલ ગેઇમ્સ યોજાયો હતો પણ ‘કોવિડ -19’ ના કારણે રમાઈ શક્યો નહતો.એટલે 7વર્ષ પછી.. નેશનલ ગેઇમ્સ યોજાઈ રહ્યો છે.
🥇કુલ રમતો :
આ 36માં નેશનલ ગેઇમ્સ માં સૌ પ્રથમ વખત 36 જેટલી રમતો રમાનાર છે. જેમાંઆર્ચરી, એથલેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોકસિંગ, બાઉલ્સ, સાઇકલિંગ, ફેન્સીંગ, ફિલ્ડ હોકી, ફૂટબોલ, ગોલ્ફ, જિમનાસ્ટિક, હેન્ડબોલ, જુડો, કબડ્ડી, ખો -ખો,મલખમ, નેટબોલ, રોલર સ્કેટિંગ, રોઇંગ, રુગબી સેવન્સ, શૂટિંગ, સ્કેટબોર્ડ, સોફ્ટબોલ, સોફ્ટ ટેનિસ, સ્કવોશ, સ્વિમિંગ, ટેકવોન્ડો, ટેબલ ટેનિસ, ટેનિસ, ટ્રાયથલોન, વોલીબોલ, રેસલિંગ, વુશુ અને યોગાસન છે. આ વખતના નેશનલ ગેઇમ્સમાં મલખમ અને યોગાસન ઉમેરવામાં આવેલ છે.
🥇કુલ ટીમ અને સ્પર્ધકો :
આ નેશનલ ગેઇમ્સ માં કુલ 37 ટીમ ના 7000થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે.37 ટીમ માં 28 રાજ્યો,8કેન્દ્ર શાસિત પ્રદેશ અને ભારતીય સશસ્ત્ર દળ નો સમાવેશ થાય છે.
જયારે ખેલાડીઓ માં સૌથી વધુ ખેલાડીઓ યજમાન ગુજરાતના 696,મહારાષ્ટ્રના 546, હરિયાણા ના 458 છે તો સૌથી ઓછા ખેલાડી સિક્કિમના ચાર અને મેઘાલય તેમજ નાગાલેન્ડના નવ નવ ખેલાડીઓ છે.
🥇મોટો, માસ્કોટ અને લોગો :
આ 36માં નેશનલ ગેઇમ્સનો મોટો ” રમત દ્વારા એક્તાની ઉજવણી ” છે. જયારે માસ્કોટ “સાવજ ” યા ને ‘એશિયાટીક સિંહ છે. લોગો ઘણો જ સુંદર અને અર્થ સભર જોવા મળે છે. જેમાં ‘રમત ગમતના ચિત્રો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું બનેલું એશિયાટીક સિંહનું માથું છે. જે ગુજરાતની પુરી ઓળખ આપે છે.
🥇સ્થળ અને રમતો :
ગુજરાતમાં છ સ્થળે આ રમતોત્સવ રમાવાનો છે.
(1)અમદાવાદ:
ગુજરાતનું પૂર્વ પાટનગર, હેરિટેજ સીટી, સાબરમતી આશ્રમ, સાયન્સ સીટી, અટલબ્રિજ, મેટ્રો ટ્રેન,વાવ, તળાવો અને બગીચાઓ થી શોભતું અમદાવાદ ફાફડા -જલેબી અને ઊંધિયું આરોગવાનું શોખીન શહેર છે. અમદાવાદમાં આંઠ જેટલાં સ્થળોએ વિવિધ ચૌદ જેટલી રમતો રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ”માં ઓપનિંગ સેરેમની યોજાશે. સંસ્કારધામ ખાતે આર્ચરી, ખો -ખો, મલખમ.ટ્રાન્સ સ્ટેડિયા,ઈકા અરેના માં કબડ્ડી, રગબી, યોગાસન અને ફૂટબોલ.સાબરમતી રિવર ફ્રન્ટ પર રોઇંગ, રોલર સ્કેટિંગ, સોફ્ટ ટેનિસ, ટેનિસ. કેન્સવીલે ગોલ્ફ એન્ડ કાઉન્ટી ક્લબ માં ગોલ્ફ અને લોન બોલ. ક્રાઉન શૂટિંગ એકેડેમી અને રાઇફલ ક્લબ માં શૂટિંગ શાહીબાગ પોલીસ સ્ટેડિયમ માં ફૂટબોલ ની મેચ રમાશે.
(2)ગાંધીનગર :
ગુજરાતનું પાટનગર, ગ્રીન કેપિટલ ઈન ધ એશિયા, ઇન્દ્રોડા પાર્ક, ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અક્ષરધામ, લકઝરી હોટેલ સુવિધા ધરાવતું શ્રેષ્ઠગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન અને હરિયાળી પ્રકૃતિ માટે વિખ્યાત એવા ગાંધી નગર ના બે સ્થળે આ રમતોત્સવ ની દસ જેટલી રમતો રમાનાર છે. આઈ આઈ ટી ના સ્ટેડિયમ ખાતે એથલેટિક્સ, સોફ્ટબોલ, સ્કવોશ, સાઇકલિંગ અને ટ્રાયથલોન રમાશે જયારે મહાત્મા મંદિર ખાતે બોકસિંગ, ફેન્સીંગ, જુડો, વેઈટ લિફ્ટિંગ, રેસલિંગ અને વુશુ ની રમતો રમાશે.
(3) ભાવનગર :
કૃષકુમાર સિંહજીના ભાવેણા ભાવનગરમાં તખતેશ્વર મહાદેવ, નિષ્કલંક મહાદેવ, ખોડિયાર, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વિક્ટોરિયા પાર્ક,અલંગ શિપ બ્રેકયાર્ડ, બાર્ટન લાઈબ્રેરી,બોરતળાવ,વિગેરે જોવા લાયક સ્થળો છે.ભાવનગર કાઠિયાવાડી ભરત કામથી વિખ્યાત છે…. તો ભાવનગરી ગાંઠિયા વિશ્વભરમાં પ્રખ્યાત છે. કલા સાહિત્ય ની આ નગરી ટેબલટેનિસ, જિમનાસ્ટિક અને યોગાસન ની રમતો માં અગ્રેસર છે. અહીંના મલ્ટી પરપઝ હોલ ખાતે બાસ્કેટ બોલ, નેટબોલ અને વોલીબોલની રમતો રમાશે.
(4)સુરત :
વિશ્વમાં સૌથી મોટું ડાયમન્ડ સેન્ટર ધરાવતું સુરત શહેર ટેક્સટાઇલ્સ અને સિલ્ક સીટી ઓફ ઇન્ડિયા છે. ઝરીકામ, ભરત કામ માટે વિખ્યાત સુરત મોજીલું શહેર છે. સુરત ‘ધ સીટી ઓફ બ્રિજ ‘ અને ‘ક્લીન સીટી ઓફ ઇન્ડિયા’ થી વિખ્યાત છે. ‘સુરત નું જમણ અને કાશી નું મરણ’ થી વિખ્યાત સુરત માં સુરતનો ….લોચો, ઘારી, પોંક વડા, ખમણ, આલુ પુરી, નાનખટાઈ નો સ્વાદ ચાખવો જ રહ્યો ! સુરત ટેબલ ટેનિસ ક્ષેત્રે પણ આગળ પડતું શહેર છે.સુરતના પી ડી ડી યુ ઇન્ડોર સ્ટેડિયમ માં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ તેમજ ડુમસ બીચ પર બીચ સ્પોર્ટ્સ રમાશે. સુરત નો ડુમસ બીચ જોવાલાયક છે.
(5) રાજકોટ :
સૌરાષ્ટ્ર્ર નું એક સમયનું પાટનગર અને રંગીલું એવું રાજકોટ શહેર ડીઝલ એન્જીન, સબ મર્સીબલ પમ્પ,ગોલ્ડ જવેલરી, સિલ્ક વર્ક, બાંધણી વિગેરે થી વિખ્યાત છે. રાજકોટ એ ભારતના સ્વચ્છ 10 શહેરોમાં નું એક સ્વચ્છ શહેર છે. રાજકોટમાં રણજિત વિલાસ પેલેસ, કાબા ગાંધી નો ડેલો, પ્રદ્યુમન ઝૂલોજીકલ પાર્ક, ગાંધી મ્યુઝિયમ, વોટ્સન મ્યુઝિયમ, ડોલ્સ મ્યુઝિયમ,રામ ક્રષ્ણ આશ્રમ,રાષ્ટ્રીયશાળા, રામપરા વાઈલ્ડ સેન્ચ્યુરી, આજી ડેમ રેસકોર્સ વિગેરે જોવાલાયક સ્થળો છે. કાઠિયાવાડી ખાણું ખાવા માટે વિખ્યાત રાજકોટ ક્રિકેટ અને રમતગમત ક્ષેત્રે આગળ પડતું શહેર છે. રાજકોટના સરદાર પટેલસ્વિમિંગ કોમ્પ્લેક્સ ખાતે એકવેટિક્સ અને ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે હોકી ની રમતો રમાશે.
(6) વડોદરા :
ક્લાનગરી થી વિખ્યાત વડોદરા રસાયણ અને દવા ઉદ્યોગ માટે વિખ્યાત છે તો વડોદરા નો લક્ષમીવિલાસ પેલેસ, મકરપુરા પેલેસ, સયાજી ગાર્ડન, વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, સુરસાગર લેઇક, શ્રી અરબિંદો આશ્રમ, ન્યાય મંદિર, કીર્તિ મંદિર, આજવા -નિમેટા ગાર્ડન, સરદાર પટેલ પ્લેનેટોરિયમ અને ઝૂલોજીકલ પાર્ક વિગેરે જોવાલાયક સ્થળો છે. લીલો ચેવડો, ભાખરવડી, ટમટમ, મૈસુર પાક ખાવા માટે પ્રખ્યાત વડોદરા પેઇન્ટિંગ અને ક્રિકેટની રમત માં આગળ પડતું શહેર છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિમનાસ્ટિક ની રમત રમાશે.
આમ ગુજરાત ના આ છ શહેરો માં…. નેશનલ ગેઇમ્સની વિવિધ 36 જેટલી રમતો રમાશે અને સાથો સાથ… રાષ્ટ્રીય -આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા રમતવીરો ના કૌશલ્યો જોવાનો અણમોલ લ્હાવો ગુજરાતના રમત પ્રેમીઓ ને મળનાર છે.
આ રમતોત્સવ ના સફળ આયોજન થી.. ગુજરાતના રમત ગમત નો નવો ઇતિહાસ આલેખાશે,ગુજરાતમાં ઓલિમ્પિક યોજવા માટે પૂરું બળ મળશે તેમજ.. રમતવીરો ને આગળ વધવા માટે યોગ્ય ઇન્ફ્રા સ્ટ્રક્ચર અને પ્રોત્સાહન મળશે તેમાં કોઈ શંકા નથી.
ગુજરાતમાં યોજાઈ રહેલ “36માં રાષ્ટ્રીય રમતોત્સવ ” ને તેમજ મેડલ ટેલી માં ગુજરાત ‘ટોપ ફાઇવ ‘ માં આવે અને ગુજરાત ‘ગોલ્ડન ગુજરાત ‘ બને તેવી હાર્દિક શુભેચ્છા.

