નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ – ૨૦૨૩-૨૪ માં સીઆરસી કક્ષાએથી વિજેતા થયેલ ૩૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રેક, ટી શર્ટ અને શૂઝ આપવામાં આવેલ છે, જે આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની નવી પહેલ છે.
આ ઉપરાંત આશરે ૧૫૦ થી વધુ શિક્ષકો પણ આ રમતોત્સવમાં ભાગ લેશે. આ પ્રસંગે વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
રમતોત્સવના પ્રથમ દિવસ તા.૦૩ ના રોજ કન્યાઓની તેમજ તા.૦૪ ના રોજ કુમારની વ્યક્તિગત રમતો જેવી કે ગોળાફેંક, ચક્રફેંક, બેઝબોલ ફેંક, લાંબીકૂદ, ઊંચીકૂદ, દોડ, રીલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગનિદર્શન જેવી આંતરિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બપોર બાદ કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ તથા લંગડી જેવી સાધિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૦૫ ના રોજ તા.૦૩ અને ૦૪ જાન્યુઆરી – ૨૦૨૪ દરમિયાન રમાયેલ સાઘિક રમતોની ફાઇનલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા આયોજીત શાળા રમતોત્સવ – ૨૦૨૩-૨૪નો સમાપન કાર્યક્રમ તા.૦૫ ના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વડોદરા ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા તા.૦૩ અને ૦૪ જાન્યુઆરીના રોજ યોજાયેલ વ્યક્તિગત રમતોના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા સાંઘિક રમતોમાં વિજેતા થયેલ ટીમોને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રમતોત્સવમાં વિજેતા થયેલ શિક્ષકોને પણ સમિતિ દ્વારા મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સમગ્ર રમતોત્સવ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ કુમારને “વીરબાળ” તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કન્યાને “વીરબાળા” તથા વધુ વિજેતા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાને “સયાજી ટ્રોફી” એનાયત કરવામાં આવશે.
રમતોત્સવમાં ભાગ લેનાર તમામ રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ રમતના જાણકાર નિષ્ણાતો વિવિધ રમતોના પંચકાર્યોમાં મદદ માટે ઉપસ્થિત રહેશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના અધ્યક્ષ મિનેષભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી, માન.શાસનાધિકારી શ્વેતા પારગી તથા સમિતિના તમામ સભ્યશ્રીઓ દ્વારા સમિતિના બાળકો રમતો પ્રત્યે આકર્ષિત થાય અને ભવિષ્યમાં વિશ્વ ફલક પર પોતાનું અને સમિતિનુ નામ અંકિત કરે તેવી ઉમદા લાગણી સાથે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રમતોત્સવના ઉદ્ઘાટનના શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ભાજપ અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ ઉપસ્થિત રહેશે. ઉપરાંત વડોદરા શહેરની તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના માન. અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષ, માન.શાસનાધિકારી તથા તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.

