સંકેત પંડ્યા – એડિટર
સાબરમતી બાદ સ્ટેટ મોનિટરીંગની ટીમે રાણીપ વિસ્તારમાં દારૂનો આખો ગોદામ જપ્ત કર્યો છે. 400થી વધુ દારૂની બોટલો ઝડપાયા બાદ રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પર શંકા સેવાઈ રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ ટીમને આ બાબતે બાતમી મળી હતી કે, દારૂની હેરાફેરી કરનારા રાજેશ ખત્રી અને હની ખત્રી રાણીપ રાધાસ્વામી રોડ પર આવેલા ગુર્જન રત્ન એપાર્ટમેન્ટમાં તેમના મકાનમાં દિવાળી માટે મોટા પ્રમાણમાં દારૂનો સ્ટોક કરી રહ્યા છે. આ માહિતીના આધારે ટીમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને બેડરૂમમાં પલંગની બાજુમાં એક ટાઇલ્ડ ફ્લોર હતો, જેનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આખું ભોંયરું જોતા ત્યાંથી દારુની ઈંગ્લેશ બોટલો જપ્ત કરવામાં આવી હતી.
435 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
સાબરમતી પોલીસ સ્ટેશનને અડીને આવેલા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરના પેટનું પાણી હાલતું નથી. સતત મોનિટરિંગ છતાં પણ આ રીતે દારુ ઝડપાઈ રહ્યો છે.

