સાહિલ શેખ – પત્રકાર
ભારત એક વિકસતો દેશ છે. તેની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આદિવાસી ગામોમાં જંગલો તેમની આજીવિકા માટે ઘણો મહત્વનો ફાળો આપે છે. ટીમરુ પાન, બળતણ માટે લાકડા, ઔષધીઓ, મહુડા, ઘાસચારો, પશુઓને ચરીયાણ અને અન્ય વિવિધ જંગલની પેદાશો મળતી રહે છે.
આ ઉપરાંત જંગલોના કારણે ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ સારો રહે છે તથા જંગલની નજીકની જમીન પ્રમાણમાં ફળદ્રુપ હોય છે. આ રીતે ખેડૂતોને જંગલો અતિ ઉપયોગી હોય છે.

મહીસાગર જિલ્લામાં સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં રહેતા આદિવાસી સમુદાય જંગલ સાથે ઘણો ભાવાત્મક સંબંધ ધરાવે છે.
વન વિભાગ, સરકારના વિવિધ વિભાગો, વોટરશેડની યોજનાઓ અને સંસ્થાઓનો હંમેશા વન વિકાસ થાય તે માટે વિવિધ કાર્યક્રમો અને જાગૃતિ માટે પ્રયત્નશીલ રહે છે. કુદરતી સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે સમુદાય આધારિત કામગીરી થાય તે માટે કાર્યરત એફ.એસ નામની સ્વૈચ્છિક સંસ્થા વન વિભાગના ટેકાથી અને માર્ગદર્શનથી સમુદાયને અને જંગલને સંરક્ષિત કરવાનું અને તેનો વિકાસ કરવા માટે પ્રેરિત કરી રહી છે. ચાલુ વર્ષમાં વન વિભાગના સહયોગથી શિયાલ, ઘાટાવાડીયા, કુંડા, બોરવાલા પીથાપુર અને તલવાડા ગામની જંગલની અને અન્ય સામૂહિક જમીનમાં કુલ 75, 000 જેટલા વિવિધ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ કાર્ય કરવા માટે વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થાપક મંડળીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.APS સંસ્થા દ્વારા વન વિભાગ સાથે સંકલનમાં રહી વન મંડળીઓને વૃક્ષારોપણ માટેનું આયોજન, વૃક્ષારોપણ કરવાની તાલીમો અને તેનું સંરક્ષણ કરવા માટે ગ્રામ સ્તરે સામૂહિક જવાબદારી સુનિશ્ચિત થાય તે માટે દોરવણી આપી રહી છે.

