રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય એવી ‘જ્ઞાન એકેડમી’ અને ‘જ્ઞાન પ્રકાશન’ના શૈક્ષણિક પુસ્તકો તથા સાહિત્યના કોપીરાઇટનો ભંગ કરી ગેરકાયદેસર કમાણી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ અંગે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને ગાંધીનગરના બે શખ્સો સામે કૉપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના સેક્ટર-૨૩, મંત્રેશાય એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ‘જ્ઞાન એકેડમી’ તેમજ ‘જ્ઞાન પ્રકાશન’ના પ્રોપ્રરાઇટર મહેશભાઈ અમૃતભાઈ આહજોલીયા દ્વારા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી પોતે ગાંધીનગરમાં ઓનલાઇન તથા ઓફલાઇન સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચલાવે છે અને પોતાની ખાસ સૂઝબૂઝ અને મહેનતથી GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ અન્ય ભરતી પરીક્ષાઓ માટે ઉત્કૃષ્ટ શૈક્ષણિક પુસ્તકો તૈયાર કરી પ્રકાશિત કરે છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ડિસેમ્બર-૨૦૨૪ થી કેટલાક ઈસમો દ્વારા તેમની આ બૌદ્ધિક સંપદા અને પુસ્તકોની બિનઅધિકૃત રીતે કોપી/ચોરી કરીને, ડુપ્લિકેટ સાહિત્ય છાપીને બજારમાં વેચી કૉપીરાઇટ કાયદાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હતો તેવું ફરિયાદ માં જણાવવાયું છે.
આ ગુનામાં પોલીસે જ્ઞાન લાઈવ પ્રા. લિમિટેડના ડાયરેક્ટર એવા અમદાવાદ મોટેરા ખાતે એ-૩ હાઇટ્સમાં રહેતા તરલ મંગળભાઈ પટેલ અને ગાંધીનગરના કુડાસણ ખાતે પ્રતિષ્ઠા એલિગન્સમાં રહેતા ચેતન અમૃતભાઈ પટેલ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કુડાસણ સ્થિત કેશવમ સ્ક્વેર (SMVS હોસ્પિટલ રોડ) ખાતેથી આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે ફરિયાદી મહેશભાઈ આહજોલીયા ને જાણ થતાં તેમણે તુરંત જ ઇન્ફોસિટી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે કોપીરાઇટ એક્ટની કલમ ૬૩ હેઠળ ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાને રાખીને આગળની વધુ તપાસ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બનાવ વાળા સ્થળે તપાસ કરી, ગેરકાયદેસર રીતે છાપવામાં આવેલા સાહિત્ય અને મુદ્દામાલને જપ્ત કરવાની તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ સંસ્થા કે પ્રેસ સામેલ છે કે કેમ? તે દિશામાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.

