Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા શહેર એકમ અને પંચમહાલ જિલ્લાની સંયુક્ત કારોબારી બેઠક ભવ્ય રીતે સંપન્ન: પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર અને અશોકભાઈ પંડ્યાનું પ્રેરણાદાયી માર્ગદર્શન

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પંચમહાલ જિલ્લા અંતર્ગત ગોધરા શહેર એકમ અને પંચમહાલ જિલ્લા બ્રહ્મસમાજની એક મહત્વપૂર્ણ સંયુક્ત કારોબારી મિટિંગ ગઈકાલે તારીખ ૦૬ જૂન ૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે માંગલ્ય પાર્ટી પ્લોટ, ગોધરા ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં બ્રહ્મસમાજના માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત તમામ કારોબારી સભ્યોને સંગઠનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે અમૂલ્ય તથા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

​કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના પરિચય અને સ્વાગત વિધિથી કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકરે સોશિયલ મીડિયાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવા માટે ફેસબુક, સ્ટેટસ અને સ્ટોરી જેવા માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. તેમણે બ્રહ્મસમાજની મોટી ઉપલબ્ધિઓ વિશે જણાવતા ગર્વભેર જાહેર કર્યું હતું કે, સમાજ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ટ્રેનિંગ અને ભ્રહ્મ એકેડેમીના માધ્યમ દ્વારા અત્યારે બ્રહ્મસમાજના ઘણા દીકરા-દીકરીઓ સરકારી નોકરી મેળવવામાં સફળ રહ્યા છે.

​શ્રી શૈલેષભાઇ ઠાકરે આગામી ભવ્ય આયોજનની વિગતો આપતા જણાવ્યું કે, અન્ય સમાજોની જેમ બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ અને જ્ઞાતિજનો માટે પણ એક અધ્યતન ભ્રહ્મ ભવન (હેડક્વાર્ટર) ઉભું થાય તેવા પ્રયત્નો રાજ્ય સરકાર પાસે ચાલુ છે તેમ જણાવ્યું હતું. 

 

​આ પૂર્વે બેઠકને સંબોધન કરતા અશોકભાઈ પંડ્યાએ ખૂબ જ ટૂંકા સમયમાં કાલોલ, હાલોલ, મોરવા હડફ જેવા વિવિધ તાલુકાઓ સુધી સંગઠનની રચના અને નિમણૂકો પૂર્ણ કરવા બદલ પંચમહાલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હોદ્દેદારોને પદને કેવળ હોદ્દો ન સમજતા એક મોટી ‘જવાબદારી’ અને ફરજ સમજીને કામ કરવા આહવાન કર્યું હતું અને જણાવ્યું કે, નાનામાં નાના કાર્યકર્તાનું માન-સન્માન જળવાવું જોઈએ તે જ સંગઠનનો પ્રથમ સિદ્ધાંત છે. બ્રહ્મસમાજ દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લક્ષી માર્ગદર્શન વર્ગો શરૂ કરવા, શૈક્ષણિક એડમિશન પ્રક્રિયામાં મદદરૂપ થવું અને મોંઘી થતી જતી નોટબુકોનું સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના નામથી છાપકામ કરાવીને રાહત દરે વિતરણ કરવા જેવા રચનાત્મક કાર્યો હાથ ધરવા જોઈએ.

​આ મિટિંગ દરમિયાન મુખ્ય એજન્ડા મુજબ વિવિધ મહત્વના સંગઠનલક્ષી વિષયો પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા, તાલુકા અને શહેર એકમ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી વિવિધ સામાજિક અને સંગઠનાત્મક કામગીરીનો સંક્ષિપ્ત ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ, બાકી રહેલા સંગઠનના કાર્યોને સમયસર અને સુનિયોજિત રીતે પૂર્ણ કરવા માટે આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનને વેગ આપવા માટે સમાજના બંધારણ મુજબ જિલ્લા, તાલુકા અને શહેર એકમના તમામ હોદ્દેદારોને પ્રદેશ સંગઠનના આજીવન સભ્ય બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને પ્રદેશ બ્રહ્મસમાજ દ્વારા ચાલતી વિવિધ લોકકલ્યાણકારી અને સામાજિક યોજનાઓની સમજ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને તેનો લાભ છેક નીચે સુધી યોગ્ય રીતે મળે તે માટે એક વિસ્તૃત આયોજનનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.

​આ ભવ્ય બેઠકને સફળ બનાવવામાં પંચમહાલ જિલ્લા ટીમના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ પંડ્યા, શ્રી વીરેન ભાઈ વ્યાસ, ગોધરા એકમના પ્રમુખ શ્રી હિતેશભાઈ પંડ્યા તેમજ મહામંત્રી શ્રી ગુણવંતભાઈ જોષી, મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી નિધિબેન જોષી અને યુવા પાંખના પ્રમુખ શ્રી ડો. વિશાલ જોષીની આગેવાની હેઠળ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ મિટિંગમાં જિલ્લાની ટીમમાંથી મહામંત્રી શ્રી હર્ષ વ્યાસ, શ્રી કાંતિલાલ પંડ્યા, ઉપપ્રમુખ શ્રી એન. ડી. ઉપાધ્યાય, શ્રી શંભુપ્રસાદ શુક્લ, મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી માયાબેન જોષી તથા યુવા પાંખના પ્રમુખ શ્રી જૈમિન પંડ્યા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરના તમામ કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોએ સાથે મળીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભોજન પ્રસાદ લીધો હતો, જેણે સમાજની એકતા અને ભાઈચારાને વધુ સુદ્રઢ કર્યો હતો.

Share

Related posts

ગોધરામાં જગતના નાથની નગરચર્યા : ભક્તિનો મહાસાગર છલકાયો

gujaratjanekta

ઝાલોદ સંજીવની હોસ્પિટલના નિષ્ણાંત ડૉ દત્તેશ દેવડાએ સાત વર્ષીય બાળકીનો જીવ બચાવ્યો સાત વર્ષીય બાળકીને કોબ્રા ( ઝેરી સાપ ) કરડ્યો

gujaratjanekta

લોકોમાં ભારે રોષ – નેતાઓને મોઢા ઉપર કહી દિધું દેખાડાબાજી બંધ કરો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial