સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
લોકસભાની ચૂંટણીની જાહેરાતને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે ત્યારે પંચમહાલ જીલ્લા સહિત રાજ્યની તમામ લોકસભાની બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ઘરવામાં આવી હતી. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો પંચમહાલમાં લોકસભા બેઠક માટે ભાજપે દાવેદારો બાબતે સેન્સ લીધી હતી. નિરીક્ષકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકરો પાસેથી દાવેદારોના નામ અને સેન્સ મેળવી હતી.
પંચમહાલ લોકસભા બેઠક પર ૩૦ થી વઘુ લોકોએ સેન્સ પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારી નોંધાવી છે
ખાસ કરીને જેમની પર મહોર લાગી શકે છે તેમાનાં મુખ્યત્વે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ચાલુ સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ – ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શૈલેષભાઈ ઠાકર ઉપરાંત અન્ય ચહેરાની વાત કરવામાં આવે તો કાલોલના મિનાક્ષીબેન પંડ્યાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
પંચમહાલના લોકોમાં જે ચર્ચાઈ રહ્યું છે તે મુજબ એ નિર્વિવાદ હકીકત છે કે ભાજપના ટિકિટના રાજકારણમાં જેમનો દબદબો હંમેશા રહ્યો છે તેવા દિગ્ગજ નેતા, સહકારી આગેવાન, શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે મુખ્ય ઉમેદવારોમાં ઉમેદવારી નોંધાવી છે પણ જો તેઓ ઉમેદવારી ન કરે તો તેમનો અંગુલી નિર્દેશ પણ બહુ જ મહત્વનો ગણી શકાય. ત્યારે શૈલેષભાઈ ઠાકર તેમના ખૂબ જ નજીકના ગણાય છે એટલું જ નહી પણ ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજીના પણ તેઓ રાજકીય રીતે ખૂબ જ નજીક છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે પંચમહાલ લોકસભાના ઉમેદવાર કોણ હોઈ શકે !!?
પંચમહાલની પ્રજામાં ચર્ચાઈ રહેલ સૌથી મહત્વની બાબત જાણીએ
હાલમાં રાજ્યસભાની ચૂંટણીમાં પંચમહાલ માંથી ડોક્ટર જશવંતસિંહ પરમાર ની ઉમેદવારીએ ચર્ચાઓનું જોર પકડ્યું છે. તેમાં એક વાત ફલિત થઈ ચૂકી છે કે આવનારી લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બારીયા ક્ષત્રિય સમાજના હોવાની શક્યતા નહીંવત છે બારીયા ક્ષત્રિય સમાજના બેલેન્સના ભાગરૂપે જ ડોક્ટર જસવંતસિંહ પરમાર રાજ્યસભામાં ગયા છે તે નિર્વિવાદ હકીકત ઘણી શકાય. તેવા સંજોગોમાં પંચમહાલ માંથી લોકસભાના ઉમેદવાર તરીકે સવર્ણ ઉમેદવાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ ઉમેદવારો કોણ હોઈ શકે તેવી અટકળો પણ હાલ ચાલુ થઈ ગઈ છે.
ભુતકાળમાં પંચમહાલ જીલ્લામાં અપાયેલ લોકસભાની ટિકિટો કઇંક આ પ્રમાણે જાણી શકાય
પંચમહાલ લોકસભાની વાત કરીએ તો ભૂતકાળમાં દરબારો એટલે રાજપૂત ક્ષત્રિય સમાજને ૨ વખત ઉમેદવારીની તકો મળી હતી તે જ રીતે ભાજપ અને જનતા પક્ષ એટલે કે ચીમનભાઈ અને કેશુ બાપાના સંયુક્ત ઉમેદવાર તરીકે પટેલ સમાજ માંથી શાંતિલાલ પટેલ પણ ઉમેદવાર રહી ચૂક્યા છે ત્યારે બ્રાહ્મણ સમાજનો જ ચહેરો આવે તો નવાઈ નહીં !! કહેવાય છે કે બ્રાહ્મણ ચહેરામાં ગુજરાત બ્રહ્મ સમાજની આગેવાની કરતા મજબૂત અને ખૂબ જ સક્રિય એવા શૈલેષભાઈ ઠાકર નું નામ ચર્ચાની એરણે છે. આવનારા સમયમાં કોઈક સંજોગે લોકોમાં ચર્ચાઈ રહેલા સમીકરણો મુજબ જો મહિલા ઉમેદવારને ઉતારવામાં આવે તો કાલોલના વતની અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે સારા અને ઘનિષ્ઠ સંબંધો ધરાવતા તેમજ જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ડોક્ટર ચંદ્રકાંત પંડ્યાના ધર્મ પત્ની મીનાક્ષીબેન પંડ્યા કે જે પોતે પણ ભાજપ સાથે ઘણા વર્ષોથી સક્રિય રીતે કામ કરી રહ્યા છે તે ચહેરો પણ ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભૂતકાળમાં ખેલાયેલા સહકારી રાજકારણના યુદ્ધો કે જેમાં શૈલેષભાઈ ઠાકરની ભૂમિકા જિલ્લાની પ્રજા અને ભાજપના મોવડી મંડળે પણ જોયલી છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની ભૂતકાળની નાણાંકીય ગેરરીતિઓ પણ ટિકિટના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે તેમ જણાઈ રહ્યું છે !!

