મળતી માહિતી મુજબ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મંદિરનું બાકીનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. ભારતની સાથે વિદેશોમાં પણ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાના વોશિંગ્ટન DCમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા ડીસી ચેપ્ટરના પ્રમુખ મહેન્દ્ર સાપા, જે આ કાર્યક્રમના આયોજકોમાંના એક છે, તેમણે જણાવ્યું હતું કે, તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વોશિંગ્ટન DCમાં એક ઐતિહાસિક ઉત્સવનું આયોજન કરી રહ્યા છે. હિંદુઓના 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તેથી અમે 20 જાન્યુઆરી, 2024ના રોજ વોશિંગ્ટન DC વિસ્તારમાં લગભગ 1000 અમેરિકન હિંદુ પરિવારો સાથે એક ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરી રહ્યા છીએ. ઉત્સવમાં રામલીલા, શ્રી રામની કથાઓ અને ભજનોનું આયોજન કરવામાં આવશે.
ભગવાન રામના જીવન પર 45 મિનિટનું નાટક કરવામાં આવશે રજૂ
અન્ય સહ-આયોજક અનિમેષ શુક્લાએ જણાવ્યું હતું કે, આ ઉત્સવમાં અમેરિકી બાળકોની સમજ મુજબ વિવિધ ઉંમરના બાળકો દ્વારા ભગવાન રામના જીવનનું 45 મિનિટનું સ્ટેજ પરફોર્મન્સ દર્શાવવામાં આવશે. તેમણે બધા પરિવારોને યુએસમાં 20 જાન્યુઆરીએ ઉજવણી તેમજ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં વાસ્તવિક ઉદ્ઘાટનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

