દિલ્હીમાં આજે MCDના મેયર પદ માટે ચૂંટણી યોજાવાની છે. આ માટે આમ આદમી પાર્ટી (AAP) અને BJP વચ્ચે સીધો મુકાબલો છે. આજે મેયરની સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ ચૂંટણી થશે. મેયરની ચૂંટણી માટે મતદાન સવારે 11 વાગ્યાથી શરૂ થશે. દરમિયાન, આમ આદમી પાર્ટીએ મુકેશ ગોયલને MCDમાં ગૃહના નેતા બનાવ્યા છે.
પ્રિસાઇડિંગ ઓફિસર પર ફરી વિવાદ
AAP અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે MCD ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર પર મતભેદ છે. શુક્રવારે યોજાનારી મેયરની ચૂંટણી માટે LGએ ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. AAPએ આનો વિરોધ કર્યો છે. શુક્રવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણી કરાવવાનું કામ પ્રિસાઇડિંગ ઓફિસરનું રહેશે.
બેલેટ પેપર ત્રણ રંગના હશે
ચૂંટણીમાં બેલેટ પેપરનો કલર કોડ નક્કી કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં ત્રણ રંગીન બેલેટ પેપર હશે. મેયર પદ માટે સફેદ રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ ડેપ્યુટી મેયર માટે લીલા બેલેટ પેપર અને સ્થાયી સમિતિના સભ્યો માટે ગુલાબી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. સૌપ્રથમ તમામ કાઉન્સિલરો શુક્રવારે શપથ લેશે. ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી થશે. આ સમગ્ર કાર્યક્રમ સિવિક સેન્ટરના ચોથા માળે યોજાશે.
મેયર પદના ઉમેદવાર
ભાજપ તરફથી રેખા ગુપ્તા મેયર પદના ઉમેદવાર છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ શેલી ઓબેરોયને પોતાની ઉમેદવાર બનાવી છે, જયારે ડેપ્યુટી મેયર માટે ભાજપના ઉમેદવાર કમલ બગડી છે અને આલે મોહમ્મદ ઇકબાલ આપના ઉમેદવાર છે.
આ સિવાય સ્થાયી સમિતિ માટે 6 બેઠકો પર સાત ઉમેદવારો છે, જેમાં ભાજપ તરફથી કમલજીત શહેરાવત, ગજેન્દ્ર દરાલ અને પંકજ લુથરા તથા આમ આદમી પાર્ટી તરફથી આમિલ મલિક, રામિન્દર કૌર, મોહિની જીનવાલ અને સારિકા ચૌધરી ઉમેદવાર છે.

