વડોદરા ના બહુ ચર્ચિત બિલ્ડર દર્પણ શાહને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેતરપિંડીના કેસમાં અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. વાઘોડિયા – ડભોઇ રીંગ રોડ પર સુખધામ રેસીડેન્સી નામની સાઈટમાં મનીષ શાહ અને તેના ભાઈએ વર્ષ 2015માં રૂ. 1.10 કરોડ ચૂકવી બે ડુપ્લેક્સ બુક કરાવ્યા હતા પરંતુ તેઓને માત્ર પઝેશન આપવામાં આવ્યું હતું. દસ્તાવેજ કરવામાં આવ્યો ન હતો. આ અંગે બિલ્ડર દર્પણ શાહ પાસે રજૂઆત કરતા તેણે દસ્તાવેજ નહીં કરી આપી ધમકી આપી હતી. જેથી ગ્રાહકે આ અંગે પોલીસ ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચ અને તપાસ સોંપવામાં આપવામાં આવી હતી. તપાસ દરમિયાન બિલ્ડર દ્વારા બીજા છ લોકો સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી. આરોપી દર્પણ શાહે ફરિયાદી સહિત સાત નાગરિકો સાથે રૂપિયા 3,30,23,000 જેટલી રકમ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની હકીકત સામે આવી હતી.
આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાંચે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી જણાવ્યું હતુ કે વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલ ક્રિસ રિયાલિટીના સંચાલક અને અન્ય બિલ્ડરોએ ભેગા મળીને મકાન લેનાર પાસેથી નાણાં લઇને દસ્તાવેજ ન કરી આપવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. જેમાં દર્પણ હરેશભાઇ શાહ મુખ્ય ગુનેગાર છે. સાઇટનાં સંચાલક અને નાણા ભેગા પણ તેઓ કરતા હતા. પોલીસ છેલ્લા એક મહિનાથી તેમની શોધખોળ કરી રહી હતી.
જે અંતર્ગત પોલીસને બાતમી મળતા ગઇ કાલે અમદાવાદ આર.ટી.ઓ પાસેથી મેટ્રો પોલ હોટલમાંથી મળી આવ્યો હતો. ત્યાંથી દર્પણ શાહની ધરપકડ કરવામાં આવી છે.વધુ પુછપરછ માટે આવતીકાલે રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
આરોપી દર્પણ શાહ ગુનાના કામે નાસતો-ફરતો હતો. આરોપી દર્પણ શાહને શોધી કાઢવા માટે હૈદરાબાદ, અમદાવાદ,છોટાઉદેપુર,ગાંધીનગર,કવાંટ, હાલોલ,નસવાડી, પાવાગઢ વગેરે સ્થળો પર ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ કરી હતી. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો. આરોપી દર્પણ શાહની સતત હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા અમદાવાદ-ગાંધીનગર હોવાની માહિતી મળી હતી. તે અંતર્ગત આરોપી દર્પણ શાહની અમદાવાદ આર.ટી.ઓ સર્કલ પાસેની મેટ્રો પોલ હોટેલ ખાતેથી ધરપકડ કરવામાં આવી.

