સંકેત પંડ્યા – એડિટર
બારડોલી : કડોદરા નગરપાલિકા વિસ્તારમાં 15માં નાણાપંચ અંતર્ગત તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને વિકાસ યોજના અંતર્ગત અંદાજિત ત્રણ કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત વિધિ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવી હતી.
કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સૌથી મહત્વની સમસ્યા સરગમ કોમ્પ્લેક્સની આજુબાજુના વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની હતી. વર્ષો જૂના આ પ્રશ્નને લઈ કડોદરા નગરપાલિકામાં અનેકવાર મોરચા પણ આવી ચૂક્યા હતા. જે સમસ્યાના નિરાકરણ બાબતે નગરપાલિકાના શાસકોએ પંદરમાં નાણાંપંચ અંતર્ગત કૅનાલને સમાંતર સરગમ કોમ્પ્લેક્સ થી વાંકાનેડાની હદ સુધી તેમજ સદભાવના સોસાયટીથી ઇન્ડસ્ટ્રીયલ મેઇન રોડ સુધી અંદાજિત 90 લાખના ખર્ચે આર.સી.સી. ગટર લાઇનની ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કડોદરા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં 82 લાખના ખર્ચે આર.સી.સી.રોડ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 1.1 કરોડના ખર્ચે ડામર રોડની ખાતમુહૂર્ત વિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કલ્પેશ ટેલર, કડોદરા નગર ભાજપ પ્રમુખ શૈલેષ શ્રીવાસ્તવ અને નગરપાલિકા કારોબારી સભ્ય અંકુર દેસાઇ સહિતના નગરસેવકો તેમજ નગરજનો હાજર રહ્યા હતા.
બોક્સ :
સરગમ કોમ્પ્લેક્સ સહિત આજુબાજુની સોસાયટીની ડ્રેનેજ લાઇનની સમસ્યાને લઈ પાણીના નિકાલ માટે ચલથાણ ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઇ તેમજ ડેપ્યુટી સરપંચ ભૂલાભાઈ બુધેલીયાએ કડોદરા નગરપાલિકાને સહકાર આપ્યો હતો. આ સમસ્યાનું નિરાકરણ થનાર છે ત્યારે ખાતમુહૂર્ત વિધિમાં હાજરી આપી હતી. કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઇએ તેમનો આભાર માન્યો હતો.

