✍🏻પ્રદિપ ત્રિવેદી – જર્નાલિસ્ટ
આજથી 5000વર્ષથી પણ વધુ વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ધનુર્ધર અર્જુન ને ઉદભવેલ વિષાદ યોગ નું નિરાકરણ કરવા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન સાથે જે સંવાદ રચ્યા તે “ભગવદ ગીતા” સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા.જેને કોઈ કાળ સ્પર્શી શકતો નથી. દરેક કાળ કે યુગ માં તેની અસરકારકતા એટલીજ તરોતાજા જોવા મળે છે. આજના ભૌતિક સુખ સગવડ અને ટેક્નોલોજી ના યુગ માં પણ તે એટલીજ અસરકારક અને જીવનપયોગી જોવા મળે છે.
ભગવદગીતા એ નૈતિકતા સહિત અનેક સદગુણોનું સિંચન કરતુ મહાકાવ્ય છે. ભગવદ ગીતા એ એક દિવ્ય આકાશ છે, દિવ્ય પ્રકાશ છે, દિવ્ય જીવનગ્રંથ છે.મનુષ્ય જો આ દિવ્ય આકાશમાં વિહાર કરે, દિવ્ય પ્રકાશનું ધ્યાન ધરે અને આ દિવ્ય જીવનગ્રંથનું નિયમિત વાંચન કરે તો એ જીવન ને ચોક્કસપણે દિવ્ય બનાવી શકે છે. જો મનુષ્ય ભગવદ્દગીતાનાં ઉપદેશને યોગ્યરીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો અને ચિંતાથી મુક્ત થઇ શકે છે.

ગીતા એ આપણા માં રહેલી શક્તિને, આપણામાં રહેલ દિવ્ય પ્રકાશને ઉજાગર કરતો મહાન ગ્રંથ છે, મહાન ઉપદેશ છે. આપણે મહાભારતમાં જોઈએ છીએ કે.. મહાન ધનુર્ધારિ અર્જુન… રણસંગ્રામમાં.. વડીલો, ગુરુઓ અને આપ્તજનો ને જોઈને… તેમના મોહમાયા માં તે તમામ શક્તિઓ ગુમાવી બેસે છે અને વિષાદ કરવા લાગે છે. તે શક્તિહીન થઇ જાય છે. તે શસ્ત્રો નીચે મૂકી દે છે. ત્યારે તેના સારથી અને મિત્ર એવા શ્રી કૃષ્ણ તેને.. જે કંઈ ઉપદેશ આપે છે અને તેનામાં રહેલ અગાધ શક્તિ ને જગાડે છે, તેને ઉજાગર કરે છે, તેના આંખ પર છવાયેલ મોહ, માયાના.. પાટા ને છોડે છે અને દિવ્ય પ્રકાશ, દિવ્ય દ્રષ્ટિ આપે છે.એ..જ.. આ ” ગીતા ” છે. ગીતા એટલે.. “અગાધ શક્તિ અને દિવ્ય દ્રષ્ટિ ” આપતો ઉપદેશ, કાવ્ય કે ગ્રંથ છે.
ગીતા આપણ ને.. જીવનમાં આજ શીખવે છે. જીવનસંગ્રામમાં આપણે વારંવાર હતાશ, નિરાશ, નિર્બલ થઇ જઈએ છીએ. આપણે પડકારો સામે લડતા જ નથી. શસ્ત્રો નીચે મૂકી દઈએ છીએ. તો ગીતાનું અધ્યયન આપણામાં રહેલી શકિત ને ઉજાગર કરે છે અને પડકારો નો સામનો કરવા.. સશકત બનાવે છે. હતાશા, નિરાશા દૂર કરે છે.

ગીતા આપણને અન્યાય, અનૈતિકતા સામે બોલતા અને લડતા શીખવે છે. જો નહીં બોલો કે નહીં લડો તો… મહાભારત થશે જ. અહીં મહાભારતમાં જયારે જયારે… પાંડવો અને દ્રૌપદી સામે અન્યાય થઇ રહ્યો હતો, દ્રૌપદીના વસ્ત્રો નું વસ્ત્રાહરણ થઇ રહ્યું હતું, ત્યારે ત્યારે… પરિવારો ના વડીલો અને મહાન ગુરુઓ.. કંઈ બોલી શક્યા નહીં કે આ અન્યાય સામે લડી શક્યા નહીં.. પરિણામ સ્વરૂપ મહાભારત થયું. તો ગીતા આપણને એ પણ શીખવે છે કે એ વખતે વડીલો અને ગુરુજનો તેમનું કર્મ ચુક્યા તો તેનું ફળ ચાખવું પડ્યું.અહીં કર્મ નો સિદ્ધાંત સીધો લાગુ પડે છે. શ્રી કૃષ્ણ ભગવાને રણસંગ્રામમાં અર્જુન ને મોહ માયા નો પાટો ખોલતા અને દિવ્ય દ્રષ્ટિ આપતાં એ બતાવ્યું કે.. તું જેને તારા વડીલો અને ગુરુઓ માને છે એ..જયારે અન્યાય થઇ રહ્યો હતો ત્યારે બોલી શક્યા નં હતા તો એ.. અન્યાય સહન કરનારાઓ ને હણવા એ કોઈ પાપ નથી. એટલે.. ઓ બાણાવાળી અર્જુન તું ધનુષ્ય ઉઠાવ અને તેઓનો સંહાર કર.
શ્રીમદ ભગવદ ગીતા એ આપણા જીવનના કોઈપણ તબક્કે.. નૈતિકતા ના પાઠ શીખવે છે. ધર્મ અને કર્મથી ચિંતા રહિત જીવન જીવતા શીખવે છે.
ભગવદ્દ ગીતાનો સઘન અભ્યાસ અને અધ્યયન કરનાર લેખિકા પ્રાચી વોરા.. એટલેજ ગીતા વિશે લખવા પ્રેરાયા. તેઓ નાનપણ થી જ ભગવદ ગીતા સાથે સંકળાયેલા છે અને તેમને આજના યુવાનો જે અકળામણ અનુભવે છે તેમને માટે કશુક લખવું હતું. આ મનોમંથન ને ધ્યાનમાં રાખતા આખરે યુવાનો માટે ખાસ “ભગવદ્દ ગીતા અને યુવાનો ” બુક લખી. જેમાં યુવાનો માટે ખુબ જરૂરી એવા આંઠ ચેપ્ટર પસંદ કર્યા અને ખુબ સરળ ભાષા માં ગીતાના શ્લોક સાથે તેની સમજૂતી આપી.
આ આંઠ ચેપ્ટરોમાં ગુસ્સો, મૂંઝવણ, હતાશા, ભય, એકલતા, આળસ, ક્ષમા અને મન ના વિષયો ની છણાવટ કરી છે. આ આંઠ પ્રકારની સંવેદનાઓ કે લાગણીઓ કોઈ પણ યુવાન ખુબ ઝડપથી અનુભવતો હોય છે. આવા વખતે શું કરવું??? તેનું પ્રમાણ કેવી રીતે ઓછું કરવું?? તે માટે ગડમથલ અનુભવતો હોય છે. તેમના માં – બાપ કે વડીલોને પણ આ પ્રશ્નો મૂંઝવતા હોય છે. ત્યારે આ પુસ્તક ચોક્કસ તેમને માર્ગદર્શનમાટે ઉપયોગી થઇ શકે તેવું છે.
ગુસ્સો : ગુસ્સો જયારે શરીરમાં આગની જેમ સર્વત્ર ફેલાઈ જાય છે ત્યારે “ગીતા “આ આગને બુઝવવા માટે “ફાયર બ્રિગેડ “જેવું કાર્ય કરે છે. આ માટે ભગવદ ગીતાના અધ્યાય 2ના શ્લોક નં. 62 અને 63 ને સરસ રીતે સમજાવ્યો છે.
મૂંઝવણ : મૂંઝવણ એ એક એવું ગૂંચળું છે કે તેને કેવી રીતે ઉકેલવું તે ખબર પડતી નથી ત્યારે ગીતાના અધ્યાય 2ના શ્લોક નં.7અને અધ્યાય 18ના શ્લોક નં 63દ્વારા સમજણ આપવામાં આવી છે.
હતાશા : હતાશા યાને ડિપ્રેશન એ આજના યુગની મહા સમસ્યા છે. હતાશા એટલે અસંતુલન, અયોગ્ય, નકારાત્મક વિચારોનું વાવાઝોડું. આ એક એવી ઉધઈ છે કે જે વ્યક્તિ ને અંદરથી ખોખલી કરી નાંખે છે. આવા સમયે ગીતાના અધ્યાય 2ના શ્લોક નં.3 અને 14 નું અધ્યયન કરવું રહ્યું.
ભય : ભય યાને ડર. ભય કરતા ભય નું સ્વરૂપ વધુ ડરામણું હોય છે. ભય કાલ્પનિક અને વાસ્તવિક એમ બે પ્રકારના હોય છે. આ સમયે ગીતાના અધ્યાય 4 ના શ્લોક નં.10,અધ્યાય11 ના શ્લોક નં 50 અને અધ્યાય 18ના શ્લોક નં.30 નું અધ્યયન કરવું.
એકલતા : એકલતા એ આજના સમયની મહા પીડા છે. કારણ કે આપણે હૂંફ ગુમાવી બેઠા છીએ.એકલતા એ અપ્રીય લાગણી છે. ત્યારે ગીતાના અધ્યાય 6 ના શ્લોક નં 30 અને અધ્યાય 9ના શ્લોક નં 29 દ્વારા આ બુક માં એકલતા માટે સરસ સમજાવવામાં આવ્યું છે.
આળસ : આળસ એટલે ‘હમણાં નહીં ‘…’પછી કરીશ ‘! કામ કરવાની ક્ષમતા હોવા છતાં પ્રવૃત્તિ કે પરિશ્રમ કરવા પ્રત્યે નો અણગમો. અહીં આ બૂક માં આ માટે ગીતા ના અધ્યાય 3ના શ્લોક નં 8અને 20 દ્વારા સમજાવવામાં આવ્યું છે.
ક્ષમા: ક્ષમા એ તો વીરોનું આભૂષ્ણ છે.માફી વો ખુશ્બુ હૈ જો એક ફૂલ ઉન્હી હાથો મે છોડ જતા હૈ… જીસ હાથોને ઉસે તોડા હૈ..! અહીં ગીતાના 12 માં અધ્યાય ના 13 માં શ્લોક દ્વારા માફી ની મહાનતા સમજવાયી છે.

અને આખરે ” મન “. મન સે બડા ના કોઈ. સુખ દુઃખ નું કારણ મન છે. મનની ચંચળતા ને વશ કરવી ખુબ જરૂરી છે. આ માટે આ બૂક માં ગીતા ના અધ્યાય 6ના શ્લોક નં 6,7,26 અને 35 દ્વારા મન ને કંઈ રીતે વશમાં રાખવું, મન ને કંઈ રીતે મજબૂત બનાવવું વિગેરે સરસ રીતે સમજાવવામાં આવ્યું છે.
આમ ” ભગવદ ગીતા અને યુવાનો ” પુસ્તક માં આ ખુબજ સંવેદાત્મક આંઠ ચેપ્ટર ને ગીતા ના શ્લોકના માધ્યમ થી તેમજ મહાનુભાવો ના ઉચ્ચારણો દ્વારા અંગ્રેજી અને ગુજરાતી માં સમજાવવાનો સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે.
યુવાનો અને આપણે સૌ ને ઉપયોગી એવા આ પુસ્તક ” ભગવદ્દગીતા અને યુવાનો ” નું વિમોચન સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ ના સેક્રેટરી અને ગુજરાત રાજ્યના ભૂત પૂર્વ મુખ્ય મંત્રીશ્રીઓ ના સચિવપદે રહી ચૂકેલ એવા શ્રી પી. કે. લહેરી સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સેન્ટઝેવીઅર્સ કોલેજના સંસ્કૃતભાષાના આસિસ્ટન્ટ પ્રો.ડૉ. રાજવી ઓઝા, મુવી, મ્યુઝિક અને થિયેટર ના ડાયરેક્ટર શ્રી દેવલ શુક્લ અને આ પુસ્તક ના રાઇટર પ્રાચી વોરા તેમજ ક્રિએટિવ રાઇટર શ્રી પ્રદીપ ત્રિવેદી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

