Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

“સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય” આ છે ભરૂચ કલેકટર ડૉ. સુમેરાની ધોરણ 10ની માર્કશીટ : અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ છતાં UPSC પાસ કરી

સંકેત પંડ્યા – એડિટર

કહેવાય છે કે “અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.” ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાય વિદ્યાર્થીઓ સારા માર્ક્સ અને ટકા સાથે ઉત્તીર્ણ થયા છે, જ્યારે કેટલાકના માર્ક્સ ઓછા આવ્યા છે તો કેટલાક નાપાસ થયા છે. ઓછા ટકા આવ્યા હોય અને નાપાસ થયા હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી. ભરૂચ કલેકટર ડૉ. તુષાર સુમેરાના પણ ધોરણ 10માં પાસિંગ માર્ક્સ જ આવ્યા હતા.

રાજકોટની ચૌધરી હાઇસ્કૂલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ તુષાર સુમેરાની માર્કશીટ કઇ અલગ જ હતી. તેમણે અંગ્રેજીમાં 35 માર્ક્સ, ગણિતમાં 36 માર્ક્સ અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ મેળવ્યા હતા. પરિણામથી હતાશ થવાના બદલે તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે આર્ટ્સનું શિક્ષણ પૂર્ણ કરી બી.એડની ડીગ્રી પણ મેળવી હતી. કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ અંગ્રેજી વિષયમાં કાચા હતા.

બી.એડ થયા બાદ તેમણે ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યારે તેમનો પગાર હતો મહિનાના 2,500 રૂપિયા. નોકરી દરમિયાન જ તેમણે આઇએએસ અધિકારી બનવાનું નકકી કર્યું હતું. તેમણે પોતાના પરિવારમાં આ વાત કરતાં પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુએ એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે, પરંતુ એ છોકરો કોઈની વાત કાને સાંભળ્યા વગર તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા.


2012ના વર્ષમાં આ તેમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા હતા. અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેકટર તરીકે ડૉ. તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલાં કામની નોંધ લઇને ટ્વિટર પર પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો.

10મા ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે, જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાને નોંધ લેવી પડે. તેમણે જણાવ્યું હતું કે નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી થતા, માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો. ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

Share

Related posts

ભાજપના ડેમેજ કંટ્રોલ પહેલા મઘુ મેદાને – કાર્યકર્તાઓની કમિટી બનાવી અપક્ષથી લડે શકે છે

gujaratjanekta

બુક એક્ઝિબિશન: ચરોતર યુનિવર્સિટીમાં યોજાયેલા બુક ફેરમાં વિવિધ વિષયોના પુસ્તકો પ્રદર્શિત કરાયા

Admin

ઝાલોદ નાની સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈનો વય નિવૃત્ત સમારોહ વલ્લભ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial