પંકજ પંડિત
ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના લીલવાઠાકોર ગામે ડામોર ભગત ફળિયામાં રહેતા ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં રાત્રીના સમયે અચાનક આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. આગની લપેટો જોઈ મકાનમાં રહેલા પરિવારજનો તાત્કાલિક ઘરની બહાર દોડી આવી પોતાની જાન બચાવવામાં સફળ રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ ઝાલોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગ બુઝાવવામાં આવે ત્યાં સુધીમાં મકાનમાં રાખેલ અનાજ, કપડાં તેમજ ઘરવખરી સહિતનો તમામ સામાન આગમાં બળી ખાખ થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં કોઈ વ્યક્તિ કે પશુધનની જાનહાનિ થયેલ નથી. જોકે આકસ્મિક આગના કારણે મકાન માલિકને ભારે આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.
આજરોજ ગામના સરપંચ, તલાટી તેમજ ગ્રામજનો દ્વારા ઘટનાની લેખિત નોંધ તૈયાર કરી તાલુકા પંચાયત અધિકારીને અરજી પાઠવવામાં આવી હતી. અરજીમાં કુદરતી તથા આકસ્મિક આપત્તિ અંતર્ગત સરકારના નિયમો મુજબ મકાન તથા ઘરવખરીના થયેલ નુકશાન બદલ તાત્કાલિક સહાય મંજૂર કરવા વિનંતી કરવામાં આવી છે.
અગ્નિકાંડથી અસરગ્રસ્ત પરિવારને રાજ્ય સરકારની આપત્તિ રાહત સહાય યોજના અંતર્ગત વહેલી તકે નાણાકીય મદદ મળશે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

