પંકજ પંડિત
ઝાલોદ તાલુકામાં લોકવાયકા પ્રમાણે દ્વાપર યુગમાં પાંડવો દ્વારા અગ્યાર મંદિરનું નિર્માણ
ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિર જે માછણ નદીના કિનારે તેમજ પ્રાકૃતિક સૌંદર્ય થી શોભતુ આ મંદિર દ્વાપર યુગમાં બનેલ હોવાનું સાક્ષી સ્વરૂપે વર્તમાનમાં પાંડવો દ્વારા નિર્મિત મંદિરોનો જીર્ણ સીર્ણ સાક્ષી સ્વરૂપે મધ્યમાં વિષ્ણુ મંદિર તેની નજીકમાં સામ સામે ગણેશ અને શિવ પાર્વતી મંદિર તથા વિષ્ણુ મંદિરની પાછળ વિષ્ણુ ભગવાનના અવતારોના સાક્ષી સ્વરૂપે વામન અવતાર, વરાહ અવતાર, મત્સ્ય અવતાર, નરસિંહ અવતાર જેવા અવતારોના ખંડિત મૂર્તિના અવશેષો દ્વાપર યુગની ઝલક આપી રહ્યા છે આવા પૌરાણિક અને હેરીટેજ પંચકૃષ્ણ ધામનુ પુરાતત્વ વિભાગ તથા પર્યટન વિભાગ દ્વારા વિકાસ માટે ભારે ઉદાસીનતા જોવા મળી રહેલ છે. મંદિરની કુદરતી સંપદા સોળે કળાએ ખીલેલી જોવા મળે છે ત્યારે ઇતિહાસના સાક્ષી સમા આ પંચકૃષ્ણ ધામ ભવ્ય બનીને આદિવાસી વિસ્તારનું એક ઐતિહાસિક પર્યટક સ્થળ બને તેવી લોકમાંગ ઉભી થઈ રહેલ છે.
પહેલા પૌરાણિક સમયમાં પંચમહાલ અને દાહોદનો આ વન વિસ્તાર હીંડીંબા વન તરીકે પ્રચલિત હતો. જે ઇતિહાસ પુનઃ સોળે કળાએ ખીલી ઉઠે તે માટે આ મંદિરનો પૂર્ણ વિકાસ ખૂબ જરૂરી છે ત્યારે નગરના એક સેવા ભાવિ નાગરિક તેમજ સનાતન અપાર શ્રદ્ધા ધરાવનાર જીતેન્દ્ર આચાર્ય દ્વારા આ મંદિરના વિકાસ માટે વિષ્ણુ મંદિરની દિવાલોનુ પ્લાસ્ટર તથા હનુમાનજી મંદિરનું શિખર તેમજ બંને મંદિરોનુ સભા મંડપ બનાવવાનું કાર્ય હાલ ચાલી રહેલ છે અને વર્ષો અગાઉ નગરપાલિકાના સહયોગથી દર્શનાર્થીઓની સગવડતા માટે એક મોટો હોલ બનાવવામાં આવેલ હતો. તથા પુરાતત્વ વિભાગ દ્વારા એક ઉપવન બનાવવામાં આવેલ હતું પરંતુ જવાબદાર તંત્રની અજગર આળસના કારણે આ ઐતિહાસિક ધરોહર વિલુપ્ત ન થાય તેવો એક ડર શ્રદ્ધાળુઓમા છે.
મંદિરના પ્રાંગણમાં વિષ્ણુ મંદિરની સન્મુખ એક શિલાલેખ કે જેમાં વિક્રમ સંવત 1366 નો ઉલ્લેખ કરીને ઇતિહાસની સાક્ષી પૂરી રહેલ છે. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન કૃષ્ણ ભગવાન અહીંયા પાંડવોને મળવા આવેલ હોવાની લોકવાયકા પ્રચલિત છે ત્યારથી આ ધામને પાંડવ અને કૃષ્ણના મિલન તરીકે પંચકૃષ્ણ નામ પડેલ છે. ત્યારે આવી દ્વાપર કાલીન ,પૌરાણિક , ઐતિહાસિક આ ધરોહરને સ્થાનિક તંત્ર, પુરાતત્વ વિભાગ તથા પર્યટન વિભાગ આ મંદિરના વિકાસના કામમાં પરોવાય તેવી પ્રત્યેક સનાતનીયોની પ્રચંડ લાગણી અને માંગણી છે.
વર્ષોથી આ મંદિરની સેવા પૂજા સુનિલભાઈ સંગાડા અને તેના પરિવારજનો કરતા આવેલ છે. જો વિસ્તારનો પૂર્ણ વિકાસ થાય તો છેવાડાના આદિવાસી વિસ્તારનો આ મંદિર થકી પર્યટન દ્વારા વિવિધ આજીવિકાઓ ઉભી થાય તેવી અપાર સંભાવનાઓ છે.

