Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વાઘોડીયાની પારૂલ યુનિ. ખાતે વડોદરા જિલ્લાકક્ષાનો ૭૫મો ‘વન મહોત્સવ’ ઉજવણી કાર્યક્રમ યોજાયો

વડોદરાના વાઘોડીયામાં પારૂલ યુનિવર્સિટી ખાતે આજે ૭૫મા જિલ્લાકક્ષાના ‘વન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. 

        પ્રકૃતિના જતન અને સંરક્ષણમાં લોકભાગીદારીનો આગ્રહ રાખી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ‘વનકવચ’ દ્વારા ગ્રીન કવર વધારી રહી છે, તેમાં લોકભાગીદારી અત્યંત જરૂરી છે.

        તેમણે વૃક્ષોની સંખ્યામાં થતા સતત વધારા બદલ સામાજીક વનીકરણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. શ્રીમતી બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જેમ પાણીના એક-એક ટીપાથી સરોવર ભરાય છે, તેમ એક-એક વૃક્ષ વાવવાથી શહેર, રાજ્ય અને દેશ હરિયાળો બને છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ, માઁ કે નામ’ અભિયાનને ઝીલી લઈને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ગુજરાતને વધારે હરિયાળુ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી તેમણે આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથથી વિકાસની વાત કરી હતી.

        ‘એક પેડ, માઁ કે નામ‘ અભિયાન અંતર્ગત રાજ્યભરની આંગણવાડીઓમાં અત્યાર સુધીમાં ૩.૩૨ લાખથી પણ વધારે વૃક્ષો વાવવામાં આવ્યા છે, તેવું ગર્વભરે જણાવી શ્રીમતી બાબરીયાએ વૃક્ષોનું ધાર્મિક, વૈજ્ઞાનિક અને ઔષધીય મહાત્મ્ય વર્ણવ્યું હતું. તેમણે સાંસ્કૃતિક વનો, વનકવચ, વન મહોત્સવો જેવા સરકારના પર્યાવરણલક્ષી અભિયાનોની વાત કરી રાજ્યમાં ગ્રીન કવર વધારવાનો સફળ સેવાયજ્ઞ સામાજીક વનીકરણ વિભાગે ઉપાડ્યો હોવાનું ઉમેર્યું હતું. છોડમાં પણ રણછોડને જોવાની ભારતીય સંસ્કૃતિને જાળવીને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરતા રહો, તેમ તેમણે હાજર લોકોને કહ્યું હતું.

        વાઘોડીયાના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વૃક્ષોને પરોપકારી સંત કહી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધન માટે કનૈયાલાલ મુનશી અને શ્રી અરવિંદ ઘોષે કરેલા ઉમદા કાર્યોને યાદ કર્યા હતા.  ગ્લોબલ વોર્મિંગનાં સંકટ સામે ઝઝૂમતી દુનિયા પાસે પ્રકૃતિના જતન-સંરક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સાથે સમન્‍વય સાધીને વિકાસનો જે વિચાર આપ્યો છે, તેમાં સરકારની સાથે સાથે લોકભાગીદારી ખૂબ જરૂરી છે, તેમ જણાવી શ્રી વાઘેલાએ હાજર પર્યાવરણપ્રેમીઓ અને લોકોને વૃક્ષોના વાવેતર અને જાળવણી માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. પ્રદૂષણ અને પ્લાસ્ટિકથી મુક્ત ગુજરાતની વાત કરી આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ અને પર્યાવરણની ભેટ આપવા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

        આ પ્રસંગે નર્સરી થકી પર્યાવરણના જતનમાં પોતાનો ફાળો આપનાર વિવિધ સખી મંડળની લાભાર્થી બહેનોને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા જિલ્લાના વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસે આ ઉજવણી કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપ્યું હતું.

        કાર્યક્રમના અંતે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ શ્રીમતી બાબરીયાએ જિલ્લાના અલગ-અલગ ગામોમાં નર્સરી દ્વારા મોકલવામાં આવતા રોપાઓને લઈને જતા ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

        વૃક્ષ વંદનાના આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી સતીષભાઈ પટેલ, શ્રી સતીષભાઈ મકવાણા, કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, ગીર ફાઉન્ડેશનના નિયામકશ્રી આર. કે. સુગુર, ડભોઈના પ્રાંત અધિકારીશ્રી, પારૂલ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ ડો. પારૂલ પટેલ, યુનિ.ના પદાધિકારીઓ, પર્યાવરણપ્રેમીઓ, ખેડૂતો, લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

Bharat Taxi Launch: હવે મોંઘવારીથી મુક્તિ – સસ્તા ભાડાનું વચન!? અમિત શાહ આજે લોન્ચ કરશે ‘ભારત ટેક્સી’ – જાણો વધુમા

gujaratjanekta

ચીનમાં કોરોનાને કારણે થઈ શકે છે 10 લાખ મોત, નવા સંશોધનથી ડરી દુનિયા, પરિસ્થિતિ ખતરનાક

Admin

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial