પંકજ પંડિત
આંતર રાજ્ય સ્પર્ધામાં પહેલાં નંબરે મહાકાલ સુંદરકાંડ મંડળ, કેસુર ( ધાર, મધ્યપ્રદેશ ) બીજા નંબરે પનઘટ બાલાજી સુંદરકાંડ મંડળ, પ્રતાપગઢ ( રાજસ્થાન ) , ત્રીજા નંબર પર કૃષ્ણ સુંદરકાંડ મંડળ રતલામ ( મધ્યપ્રદેશ ) આવ્યા
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 માં રામ મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આખા દેશમાં કરવામાં આવનાર છે તેની પૂર્વ ભૂમિકા નિમિત્તે ઝાલોદ નગરમાં તારીખ 24-12-2023 રવિવારના દિવસે વણકતળાઈ સુંદરકાંડ મંડળ અને મીઠાચોક મિત્ર મંડળ દ્વારા આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં નગરમાં રહેતા સહુ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો અને સફળ બનાવવામાં આવ્યો હતો.
ઝાલોદ નગરમાં 24-12-2023 રવિવારના રોજ સવારે 11 વાગ્યે મુવાડા રામજી મંદિરે થી જય શ્રી રામના નાદ સાથે નગરમાં ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ બાઈક રેલીમાં સહુ બાઇક પર શ્રી રામ અને હનુમાનજી ની પતાકાઓ લહેરાતી હતી. આ બાઈક રેલી અંદાજીત 500 બાઇક સાથે 1200 જેટલી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ બાઈક રેલી મુવાડા થી પસાર થઈ મુવાડા ચોકડી, બસ સ્ટેશન થઇ ખાંટવાડા થી વડબજાર થઇ મીઠાચોક, કોળીવાડા થઇ ગીતામંદિર ખાતે સમાપન કરવામાં આવેલ હતી.
સાંજે 4 વાગ્યે ભવ્ય જ્યોત યાત્રા સાથે રામજીની શોભાયાત્રા વણકતળાઈ હનુમાનજી મંદિરે થી નીકળી ,સ્વર્ણિમ સર્કલ, ગીતા મંદિર પહોંચી હતી. ગીતામંદિર ખાતે જ્યોત યાત્રા અને રામજીની આરતી કરી આ યાત્રા વડબજાર થઇ બી.એમ.હાઈસ્કૂલ પહોંચી હતી. આ જ્યોત યાત્રા ડી.જે ના તાલે ભજનોની રમઝટ સાથે નાચતા ઝૂમતા કાઢવામાં આવી હતી. આ જ્યોત યાત્રામાં પણ ભવ્ય માનવ મહેરામણ જોડાઈ પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું.
સાંજે સાત વાગે વિશ્વકર્મા મંદિરે થી ઈસ્કોન મંદિરના સંતોની હરે કૃષ્ણની ધૂનની રમઝટ સાથે નીકળી હતી. આ સંત યાત્રામાં આમંત્રિત સંત ૧૦૮ દયારામ દાસ બાપુ, દયાનંદજી બાપુ, સનાતન સ્વામી તેમજ બ્રહ્મકુમારીઝના મીતા દીદી જોડાયા હતા. આ સંત યાત્રા બી.એમ.હાઈસ્કૂલના પ્રાંગણમાં આવતા પટેલ સમાજની મહિલા મંડળ, પંચાલ સમાજ મહિલા મંડળ તેમજ સુંદરકાંડ મહિલા મંડળની બહેનો દ્વારા પુષ્પ વર્ષા કરી સંતોને આવકાર્યા હતા. ત્યારબાદ સંતો એ આંતર રાજ્ય સુંદરકાંડની સ્પર્ધાના મંચ પર લાવવામાં આવ્યા હતા. બાઇક રેલી, જ્યોત યાત્રા અને સંત યાત્રામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય એ અનેરું આકર્ષણ નગરમાં ઉભું કર્યું હતું.
રાત્રીના આઠ વાગે આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધાની સરુંવાત આમંત્રિત સંતો એ દિપ પ્રજ્વલિત કરી મંચ ખુલ્લો મુકયો હતો. આ આંતર રાજ્ય સંગીતમય સુંદર કાંડ સ્પર્ધામાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમોને દસ દોહા સંગીતમય સુંદરકાંડની પ્રસ્તુતિ કરવાં માટે આપવામાં આવેલ હતા. સંગીતમય સુંદરકાંડ સ્પર્ધામાં દરેક ટીમો વચ્ચે સુંદર સ્પર્ધા યોજાઈ હતી. દરેક ટીમો સાથે આગ્રાની મશહૂર ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઝાંખીમાં મુખ્યત્વે રામ દરબાર સાથે બાહુબલી હનુમાન, શિવ તાંડવ સાથે નૃત્ય, રાધે કૃષ્ણની અનુપમ છબી દર્શાવતી લીલાઓ, ખાંટુ શ્યામજી નો અલૌકિક દરબાર તેમજ કાલકા માતાનું અનુપમ રૂપ લીલાઓ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરેક લીલાઓ જોઇ ઉપસ્થિત જન સમુદાય ઝૂમી ઉઠયું હતું.
આ આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધામાં પહેલાં નંબર પર મહાકાલ સુંદરકાંડ મંડળ ,બીજા નંબરે પનઘટ બાલાજી , ત્રીજા નંબરે કૃષ્ણ સુંદરકાંડ મંડળ આવેલ હતા. આ સ્પર્ધાનું યૂટ્યૂબના માધ્યમથી લાઇવ પ્રસારણ ચાલતું હતું. આ સુંદરકાંડ સ્પર્ધા જોવા હજારોની મેદની સ્કૂલના પ્રાંગણમાં આવી હતી. તેમજ આ સમગ્ર પ્રોગ્રામનું સ્ટેજ સંચાલન સંસ્કૃત ભાષાના જાણકાર એવા ગોપાલ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

