સંકેત પંડ્યા – એડિટર
આણંદ જિલ્લામાં 38,603 નવા મતદારો નોંધાયા છે જેઓ આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે મતદારો પણ તેમના પક્ષ અને નેતાને ચૂંટવા માટે તૈયાર છે. બીજા તબક્કામાં આણંદ જિલ્લાની 7 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે યુવા મતદારોની સંખ્યા આ વખતને નવા નિયમના આધારે વધી છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા 18થી 19 વર્ષની વયના 38,603 યુવા મતદારો આ ચૂંટણીમાં પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
પુરુષ મતદારોની સંખ્યા જિલ્લામાં વધુ
આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રાની કુલ 7 બેઠકો પર મતદાન યોજાશે. આ તમામ બેઠકો પર કુલ 17.66 લાખથી વધુ મતદારો નોંધાયા છે. આ મતદારોમાં 9,04,192 પુરૂષો, 8,61,857 મહિલાઓ અને 128 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
જાણો કઈ વયના કેટલા મતદારો
આણંદ જિલ્લાના વયજૂથ મુજબના મતદારો પર નજર કરીએ તો સમગ્ર જિલ્લામાં 17,66,177 મતદારો પૈકી 38,603 મતદારો 18 થી 19 વર્ષની વયજૂથના છે, 3,60,650 મતદારો 10થી 29 વર્ષની વયજૂથના, 4,27,599 મતદારો 30થી 30 વર્ષની વયજૂથના છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનની વાત કરીએ તો, 60થી 69 વર્ષની વયના 2,75,887 મતદારો નોંધાયા છે તો 70થી 79 વર્ષની વયના 93,482 મતદારો અને 80થી 89 વર્ષની વયના 29,760 મતદારો તેમજ 4,410 મતદારો 93 વર્ષથી વધુ વયના છે. 99 વર્ષના પણ 900 જેટલા મતદારો નોંધાયા છે.

