સંકેત પંડ્યા – એડિટર
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેમજ ખેડૂતોને સાચું અને શુધ્ધ દવા-બિયારણ અને ખાતર મળી રહે ઉપરાંત ખેડૂતો દ્વારા તેનો ઉપયોગ કરવાથી તેમના પાકને નુકશાન ન થાય અને તેઓને તેઓના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે વડોદરાના સંયુકત ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા આંતર જિલ્લા સ્કવોડની રચના કરવામાં આવી છે.

વડોદરાના સંયુકત ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) શ્રી કે. વી. પટેલની આગેવાની હેઠળ સ્કવોડ ટીમની રચના કરી મહીસાગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવતા આ સ્કોવડ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં ગઇકાલ તા. ર૬/પ/ર૦રર થી દવા-બિયારણ અને ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને આજે તા. ર૮/પ/ર૦રરના રોજ પણ આ પ્રમાણે ઓચિંતી સરપ્રાઈઝ ચકાસણીની કામગીરી ચાલુ રહેશે.
છોટાઉદેપુર જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી કે. વી. પટેલની આગેવાની હેઠળની ટીમમાં કવોલિટી કંટ્રોલ ઇન્સ્પેકટર શ્રી એમ. આઇ. સકસેના અને શ્રી આર.એન.ભગોરા થકી બનાવેલ સંયુકત ટીમ દ્વારા જિલ્લામાં હાથ ધરવામાં આવેલ આ ઓચિંતી ચકાસણી દરમિયાન દવા, બિયારણ અને ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ નિયમાનુસાર વેચાણ કરે છે કે કેમ ? નકલી દવા, બિયારણ અને ખાતરનું તો વેચાણ નથી કરતાને ? જેવી અનેક બાબતોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

મહીસાગર જીલ્લા ટીમ દ્વારા કરવામાં આવેલ ચકાસણી દરમિયાન સંતરામપુર તાલુકાના એગ્રી બિઝનેસ સેન્ટર અને ખાનપુરના સેવાધારી ટ્રસ્ટને ખાતર વેચાણમાં અનિયમિતતા જણાઇ આવતા આ બંનેના ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે. જયારે અત્યાર સુધીમાં જિલ્લાના ર૪ વિક્રેતાઓને અનિયમિતતા બદલ શો-કોઝ નોટીસો પાઠવવામાં આવી છે. જયારે દવા, બિયારણ અને ખાતરના શંકાસ્પદ લાગતા ૮ (આઠ) નમૂના ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યું હોવાનું ખેતીવાડી અધિકારી શ્રી એમ. આઇ. સકસેનાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

