સોલંકી કિશોરસિંહ,
દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પવિત્ર પર્વ નિમિત્તે દાહોદ સબ જેલ ખાતે માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ આપતી ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધન પર્વ નિમિત્તે દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને તેમની સગી બહેનોએ તથા જે ભાઇને બહેન ન હોય તેઓની માતાએ જેલ ખાતે આવી રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઉજવણી કરી હતી. આ પ્રસંગે જેલના વાતાવરણમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.
આ ઉજવણીને વધુ વિશેષ બનાવતા બંદિવાન ભાઈઓએ જેલની અંદર પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા માટે આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે સાથે, વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડીને બંદિવાન ભાઈઓ દ્વારા રાખડી બાંધવા આવેલી બહેનોને વૃક્ષના રોપા પણ આપવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન અને વધુને વધુ વૃક્ષો વાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ અંગે દાહોદ સબ જેલના જેલ અધિક્ષક શ્રી એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે, “જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો નિમિત્તે જેલમાં રહેલા બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. આ સાથે બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.”
રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. સાથે જ, “ભાઈ-બહેનનો સ્નેહ અને પ્રકૃતિનું જતન”—બંને સંદેશને ઉજાગર કરતી આ ઉજવણી સૌ માટે પ્રેરણાદાયી બની હતી.

