પંકજ પંડિત
ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગની નિયામક કચેરી દ્વારા ઝાલોદ ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ કેન્દ્રની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઝાલોદ પોલીસ સ્ટેશન પર છેલ્લા બે વર્ષથી મહિલા સહાયતા કેન્દ્ર નિયમિત રીતે કાર્યરત છે.આ મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા મહિલાઓ અને કિશોરીઓ પર થતા ઘરેલુ હિંસા, માનસિક–શારીરિક શોષણ, અત્યાચાર તેમજ અન્ય કોઈપણ પ્રકારની હિંસાથી અસરગ્રસ્ત પીડિતોને સર્વાંગી સહાય પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર ખાતે કાઉન્સેલિંગ, પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન તેમજ જરૂરી તબીબી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આજરોજ ગાંધીનગર મહિલા કલ્યાણ અને બાળ અધિકારીની કચેરીમાંથી કમિશનરશ્રી પુષ્પા નિનામા દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ચાલતા મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન કેન્દ્રની કામગીરી સંતોષકારક હોવાનું જણાયું હતું.ઝાલોદ મહિલા સહાયતા કેન્દ્રમાં દર મહિને અંદાજે પાંચથી છ પીડિત મહિલાઓ સહાય માટે સંપર્ક કરે છે. કેન્દ્રના અનુભવી કાઉન્સેલરો દ્વારા આપવામાં આવતા યોગ્ય માર્ગદર્શન અને સમજણના પરિણામે અનેક પરિવારો તૂટતા બચ્યા છે તેમજ અનેક મહિલાઓને પોતાનું પરિવારજીવન ફરીથી સ્થાપિત કરવામાં સફળતા મળી છે.ગાંધીનગરની ટીમ દ્વારા લેવામાં આવેલી આકસ્મિક મુલાકાત દરમિયાન મહિલા સહાયતા કેન્દ્રમાં કોઈપણ પ્રકારની ત્રુટિ જણાઈ આવી ન હતી. ટીમ દ્વારા ઝાલોદ મહિલા સહાયતા કેન્દ્રની કાર્યક્ષમતા, સંવેદનશીલ અભિગમ અને અસરકારક સેવાઓ બદલ ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી હતી.

