પંકજ પંડિત
ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ સોના ચાંદીના વ્યાપારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં વ્યાપારીઓને સાવધાની, સતર્કતા અને તકેદારી રાખવા પર વિશેષ ભાર મુકવામાં આવેલ હતું. ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, પી.એસ.આઈ સી.કે.સીસોદીયા, પી.એસ.આઈ આર.વી.રાઠોડ દ્વારા વ્યાપારીઓને દિવાળી દરમ્યાન વ્યાપારીઓને સૂચન આપતા કહ્યું હતું કે આ વિસ્તાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ છે જેથી લૂંટારૃ ટોળકીઓ અવનવા કીમિયાઓ અજમાવી લૂંટ કરવાની કોશિશ કરતાં હોય છે જેથી દરેક વ્યાપારીઓએ દુકાનોમાં સી.સી.ટી.વી કેમેરા ચાલુ હોય તેની ખાતરી કરી લેવી, દુકાનના તાળા લોકર મજબૂત છે તેની ચકાસણી કરવી તેમજ અજાણ્યા ફરતા વ્યક્તિઓ અથવા શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. દુકાને આવનાર ગ્રાહકોમા જો બાળકો લઈને આવે તો તેવા વ્યક્તિઓ સાથે વ્યાપાર કરતા સાવધાની રાખવી કેમકે લૂંટારાઓ લૂંટ કરવા માટે બાળકોનો ઉપયોગ વધુ કરતા હોય છે. દિવાળી ટાણે નગરમાં ટ્રાફિક વધુ રહેશે જેથી વ્યાપાર કરતા વ્યાપારી વ્યાપાર કરવામાં સતર્કતા દાખવે તેમજ કોઈ પણ સમસ્યા જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલિસ દ્વારા દિવાળી ટાણે નગરમાં વિશેષ પેટ્રોલીંગ તેમજ વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવશે અને પોલિસ પોઇન્ટ પણ વધશે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી પોલિસ વિભાગ દ્વારા રાખવામાં આવનાર છે તેમજ વ્યાપારી વર્ગ પણ પોલિસને પૂરતો સહકાર આપે જેથી કોઈ પણ સમસ્યા સર્જાય તો તેનું નિરાકરણ લાવી શકાય.

