✍🏻પ્રદીપ ત્રિવેદી – સ્પોર્ટસ જર્નાલિસ્ટ
એકવીસમી સદીનું ત્રેવીસમું વર્ષ અલવિદા થઇ રહ્યું છે… અને નવા વર્ષના આગમનની તૈયારીઓ શરુ થઇ રહી છે. નવા 2024 ના વર્ષની વધામણી કરીયે એ પહેલા આ 2023ના વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્યમાં બનેલી કેટલીક મહત્વની અને યાદગાર ઘટનાઓને આપણે જાણી અને માણી લઈએ.
🎊જાન્યુઆરી :
નવા વર્ષ નો પ્રથમ મહિનો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, સ્પર્શ મહોત્સવ, ઘનશ્યામ મહારાજ દિવ્ય શતાબ્દી મહોત્સવ, ફ્લાવર શો અને B-20 સમિટ થી મહોત્સવભર્યો રહ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ બન્યા. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદે થી ડૉ. રાજેન્દ્ર ખીમાણી નું રાજીનામુ. અમુલમાં થી ડૉ. રૂપિન્દર સિંઘ સોઢીની હકાલપટ્ટી કરાઈ. મોરબી ઝુલતા પુલ કાંડ માં જયસુખ પટેલ ભાગેડુ જાહેર થયાં.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ક્લાર્કની પરીક્ષાના દિવસેજ સવારે પેપર ફૂટતા 9.53 લાખ ઉમેદવારો રઝળી પડ્યા.કોંગ્રેસ એ વિપક્ષના નેતા પદે અમિત ચાવડાની પસંદગી કરી. આપ ના પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા રાષ્ટ્રીય સ્તરે મહામંત્રી બન્યા. ટાટા એ ફોર્ડ નો સાણંદ ખાતેનો પ્લાન્ટ ખરીધો. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું કુલ 1071કરોડ નું બજેટ. ગુજરાતી ભાષા ન ભણાવતી સ્કૂલોની NOC રદ કરાશે તેવું ગુજરાત સરકારે જાહેર કર્યું. કીટલી પર ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ મુકાયો. રાજ્ય માં ઠેર ઠેર માવઠું થયું. સ્થપતિ બાલકૃષ્ણ દોશી અને ભૂત પૂર્વ મુખ્ય સચિવ મંજુલા સુબ્રાહ્મણ્યમ નું અવસાન થયું.
🎊ફેબ્રુઆરી :
ગુજરાત રાજ્યનું સૌથી મોટું ₹.3.01 લાખ કરોડનું મેગા બજેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું. પાંચ વર્ષ માં વિકાસ કામો માટે ₹16 લાખ કરોડ ખર્ચાશે. વૃદ્ધોને માસિક પૅનશન માટે ₹.1,340કરોડની જોગવાઈ.ગુજરાત માં 12વર્ષ પછી જંત્રીના ભાવમાં બમણો ભાવ વધારો જાહેર કરાયો. નવી જંત્રીનો અમલ 14એપ્રિલથી લાગુ થશે. મ્યુનિસિપાલટી એ પ્રોપર્ટી ટેક્ષમાં 10 વર્ષ પછી વધારો કર્યો.વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર વિપક્ષ નહીં! અધ્યક્ષ શંકર ચૌધરી એ વિપક્ષી નેતા પદ માટે ની કોંગ્રેસ ની અરજી ફગાવી દીધી. વિધાન સભામાં પેપર લીક વિરોધી બિલ પાસ થયું. કચ્છના ધોરડો ના રણ નજીક G -20 ની પ્રથમ બેઠક યોજાઈ. જસ્ટિસ સોનિયા ગોકાણી ગુજરાતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ની અમદાવાદ બ્રાન્ચના 62 વર્ષ ના ઇતિહાસ માં સૌ પ્રથમ વાર ડૉ. અંજલિ ચોક્સી મહિલા ચેર પર્સન બન્યા. સયાજી હોસ્પિટલને 158વર્ષ પછી લોગો પ્રાપ્ત થયો.ગુજસેલ ના CEO કેપ્ટન અજય ચૌહાણ ની સરકારી વિમાનનો દુરપયોગ – ભષ્ટાચાર કરવા માટે હકાલપટ્ટી કરાઈ.સૌ પ્રથમ વખત ફુલ્લી સબ્સ્ક્રાઈબ અદાણી નો 20,000કરોડ નો FPO પાછો ખેંચાયો. પૂર્વ રાજ્યપાલ ઓ પી કોહલીનું અવસાન થયું.
🎊માર્ચ :
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે મોદી અટક અંગે ટિપ્પણી કેસમાં 2વર્ષની સજા અને ₹15000દંડ ભરવાનો આદેશ આપ્યો. જમીન મંજુર થતા સજાના અમલ પર ત્રીસ દિવસ ની રોક લગવાઈ. રાહુલ ગાંધી મુદ્દે ગૃહમાં દેખાવો થતા કોંગ્રેસ ના 16ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા. શાળાઓમાં ગુજરાતી ફરજીયાત કરાયું. CBSE સહિત તમામ શાળાઓમાંધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજીયાત કરાયું. ઈ સ્ટેમ્પિંગ ને પ્રોત્સાહન આપવા ફ્રેન્કીંગ સિસ્ટમ બંધ કરાઈ. રાજ્યના કામદારોના લઘુતમ વેતનમાં 25%નો વધારો કરાયો. અંબાજીમાં રાજભોગ ગણાતો મોહનથાળનો પ્રસાદ બંધ થતા જનાક્રોશ ફાટી નીકળ્યો, દસ દિવસ પછી પુન: ચીકીના પ્રસાદ સાથે શરુ કરાયો. CMO ના PRO હિતેશ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યાના કારનામાનો પર્દાફાશ થતા રાજીનામુ આપવું પડ્યું.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ સબંધ ના 75 વર્ષની ઉજવણી બન્ને વડાપ્રધાનો એ મેચમાં હાજર રહી ને કરી.કમોસમી વરસાદ હોળી ની પ્રદક્ષિણા કરવા આવ્યો હતો!સાહિત્યકાર ધીરુબેન પટેલ નું અવસાન થયું.
🎊એપ્રિલ :
ગુજરાતની વસ્તી 7.06 કરોડ ની થઇ.2002માં નરોડાગામમાં 11લોકો ને જીવતા સળગાવી દેવાના કેસમાં માયા કોડનાની, બજરંગ બાબુ, સહિત 67 આરોપી નિર્દોષ છૂટ્યા. માનહાની કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ને સુરત સેશન્સ કોર્ટે જામીન આપ્યા, ચુકાદો ન આવે ત્યાં સુધી સજા રદ. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર 40કરોડના ખર્ચે બનેલ હાટકેશ્વર બ્રિજના બાંધકામમાં થયેલ વ્યાપક ભષ્ટાચાર ને કારણે તોડવાનો નિર્ણય લેવાયો.મોરબીના ઝુલતા પુલ હોનારતમાં 135 લોકોના મૃત્યુ થયાં હતા તેના 162દિવસ પછી મોરબી નગરપાલિકા સુપરસિડ કરાઈ.અમદાવાદ શિવાનંદ આશ્રમમાં બે દિવસીય ધર્મ -આચાર્ય સભાં યોજાઈ. વિશ્વનું સૌથી મોટું સૌર કોન્સન્ટ્રેટર વડોદરામાં ગોરજ ખાતે કાર્યરત થયું. વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ₹15લાખની લોન એક સાથે મળશે. સારંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની 54ફૂટ ઊંચી નવનિર્મિત મૂર્તિની અનાવરણ કરાયુ. ગુજરાત ની હસ્ટકલા “માતાની પછેડી ” ને GI ટેગ મળ્યો.મોદી ના “મન કી બાત ” નો 100મૌ એપિસોડ રેડિયો પર થી પ્રસારિત થયો.સિનેમા ના વિખ્યાત સંશોધક વીરચંદ ધરમશીનું અવસાન થયું.
🎊મે :
ગુજરાત રાજ્યના 63માં સ્થાપના દિવસે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું મારી સરકારના 100દિવસમાં 80,000કરોડના MOU થયાં છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ “અમૃત આવાસોત્સવ “માં 1900મકાનો લાભાર્થીઓ ને અર્પણ કરાયા.અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29માં દ્વિ વાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડા પ્રધાન મોદીએ કરાવ્યો . કેવડિયામાં સરકારની ચિંતન શિબિર યોજાઈ. પ્રાથમિક શિક્ષકોની બદલી માં વિધવા, વિધુરને પ્રાથમિકતા અપાશે. ગટરની સફાઈ માટે કર્મચારીને ઉતારાશે તો કમિશનર થી લઈ ને સરપંચ જવાબદાર. જુનિયર, સિનિયર કે. જી. શરુ કરવા ફરજીયાત નોંધણી કરાવવી પડશે.75 વર્ષમાં પ્રથમ વખત ગ઼ચ્છાધિપતિ આચાર્ય સુરીશ્વરજી મહારાજ સહિત 22લોકો વાઘા બોર્ડર થી પાકિસ્તાન સુધી વિહાર કર્યો. દીપડાની વસ્તી ગણતરી પૂર્ણ, સંખ્યા 1850 ની થઇ. ભૂત પૂર્વ શિક્ષણ મંત્રી હસમુખ પટેલ, કૃષિ મંત્રી વલ્લભ ભાઈ વઘાસીયા, પૂર્વ એમ એલ એ જેઠાભાઇ રાઠોડ નું અવસાન થયું.
🎊જૂન :
જૂન મહિનો ‘બીપર જોય ‘ વાવાઝોડા વાળો રહ્યો,વાવાઝોડા ના તોફાનથી 4000કરોડની નુકસાની થઇ.કોઈ જાન હાની ના થઇ.કોંગ્રેસ એ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. ગુજરાત નું અર્થતંત્ર 23લાખ કરોડનું થયું.સેમી કંડકટર ચીપ તૈયાર કરવાનાં MOU થયાં.રાજ્યમાં 168 ઉત્પાદકો ની વિવિધ 394 દવાની પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાયો. ગટર, ખાળકુવા સફાઈ દરમ્યાન મોત થાય તો મૃતક પરિવાર ને 10લાખ સુધી નું વળતર નો કોર્ટનો આદેશ.અમદાવાદમાં આધુનિક લાલદવાજા બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું.રહેણાંક માં સોલાર ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ રહ્યું.આંતર રાષ્ટ્રીય યોગ દિવસે સુરતમાં 1.50લાખ લોકોએ એક સાથે યોગા કરી ને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.ગુજરાતી સિને જગતના (2016થી 2020)એવોર્ડ જાહેર થયાં.
🎊જુલાઈ :
સમગ્ર ગુજરાતમાં ભરપૂર વરસાદ વરસ્યો. સૂત્રપાડામાં આભ ફાટ્યું. જૂનાગઢ, તાલાલા, પ્રભાસ પાટણ જળ બંબાકાર થયાં. બીપરજોય વાવાઝોડામાં પાક નુકસાની બાબતે કચ્છ, બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કરાયું. વડાપ્રધાન મોદીએ રાજકોટમાં ચોથું આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ‘હીરાસર ‘ અને 2033 કરોડના વિકાસ કાર્યો નું લોકાર્પણ કર્યું… અને ‘કવિટ ઇન્ડિયા, અબ કી બાર ઇન્ડિયા છોડો ‘ નો નારો આપ્યો. રાજ્ય સરકારે 52,516 ખેડૂતોને ટ્રેકટર સહિતના ઓજારો ખરીદવા 564કરોડની સહાય જાહેર કરી.કાર, બોટ અને એર એમ્બયુલન્સ ની ત્રેણય સુવિધા ધરાવતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું.પ. પૂ.સંત મોરારી બાપુની અનોખી દ્વાદશ જ્યોર્તિલિંગ રામકથા યોજાઈ, ગુજરાત યુનિવર્સીટીના ઇતિહાસમાં સૌ પ્રથમ મહિલા કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની નિમણુંક થઇ.કોર્પોરેશને 115 હોસ્પીટલના ‘C’ ફોર્મ રદ કર્યા. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી 3,27,33,780 ની રિકવરી કેપ્ટન અજય શર્માને જમા કરાવવા જણાવ્યું.સાગર દાણા કૌભાંડ માં વિપુલ ચૌધરી સહિત 15ને 7વર્ષની સખત કેદ ની સજા. નળ થી જળ યોજનામાં 40કરોડનું કૌભાંડ. ગાંધીનગર ના પૂર્વ કલેકટર લાંગા ની 10,000કરોડના જમીન કૌભાંડમાં ધરપકડ.અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત માં નવ વ્યક્તિના મોત થયાં.
🎊ઓગસ્ટ :
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે તાપીના ગુણસરી ગામથી ‘મારી માટી મારો દેશ ‘ અભિયાન શરુ કરાવ્યું. બાગાયાતિ પાકના ખેડૂતો ને 40 કરોડની યોજનાનો અમલ. પ્રાકૃતિક ખેતી માટે 90 કરોડની સહાય ચૂકવાય. PMJAY માં ડાયાલીસીસ માટે દર્દી દીઠ ₹2200/-આપવામાં આવશે. ડૉ. રાજુલ ગજ્જર GTU ના સૌ પ્રથમ મહિલા કુલપતિ બન્યા. વિશ્વની સૌથી જૂની ત્રીજા નંબર ની યુનિવર્સીટી ‘કેમબ્રિજ યુનિવર્સીટી ‘ માં પ. પૂ. મોરારીબાપુની કથા યોજાય હતી.ભાવનગરની દક્ષિણામૂર્તિને ભારતના શ્રેષ્ઠ બાલમંદિર નો એવોર્ડ.રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચાલચિત્રો માટે 46કેટેગરીમાં 110 એવોડ્સ જાહેર કરાયા. 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં “છેલ્લો શો ” ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ પુરસ્કાર મળ્યો.ભાવનગરમાં એકજ સમયે એક લાખ રોપા વાવેતરનો વિક્રમ.ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા નું જમીન કૌભાંડ બાબતે રાજીનામું માંગી લેવાયું. આણંદના તત્કાલીન કલેકટર ડી એસ ગઢવી ને હની ટ્રેપ માં ફસાવવાના કેસમાં અધિક કલેકટર કેતકી વ્યાસ ની ધરપકડ. રાજ્યના યુવાનોમાં હાર્ટ એટેક નું પ્રમાણ વધ્યું.ચિંતક, લેખક, સામાજિક કાર્યકર અચ્યુત યાજ્ઞિક નું અવસાન.
🎊સપ્ટેમ્બર :
ગુજરાત વિધાનસભા ડિજિટલ હાઉસ બન્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશનનું ઉદઘાટન કર્યું. સાયન્સસિટીમાં મોદીએ રોબોટિક એકવેટિક ગેલેરી, નેચર પાર્કની મુલાકાત લીધી. સાળંગપુર ના હનુમાનજી અને સ્વામિનારાયણના સંતો દ્વારા બનાવાયેલ ભીંત ચિત્રોનો મહા વિવાદ થયો અને આખરે તે વિવાદિત ચિત્રો દૂર કરવાની વડતાલના સંતોએ જાહેરાત કરી.જૂનાગઢ માં સંત સંમેલન યોજાયું.ગવર્મેન્ટ પોલિટેક્નિકના પ્રો. ઝંખના મહેતાને રાષ્ટ્ર્રપતિ એવોર્ડ. નર્મદાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, છેલ્લા 53 વર્ષ નો રેકોર્ડ તોડતા ગોલ્ડન બ્રિજ 41.85ફૂટની સપાટીએ છલકાયો.ગોલ્ડનબ્રિજ પર રડારબેઝ સેન્સર લગાવાયું .ભરૂચ – અંકલેશ્વર પાણીમાં ડૂબ્યા.નવી ઢોર અંકુશ નીતિ,90 દિવસમાં પશુઓની નોંધણી ફરજીયાત.વડોદરાની મહારાણીને યુનિવર્સીટી ઓફ ઇસ્ટ લંડનની માનદ ડિગ્રી એનાયત થઇ.ભૂત પૂર્વ એડવોકેટ જનરલ સુરેશ શેલત, ભજનિક લક્ષમણ બારોટ નું અવસાન.
🎊ઓક્ટોબર :
ગરબા, વર્લ્ડકપ ક્રિકેટ, ભારત -પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની ગુજરાત યાત્રાથી ધમ ધમતો રહ્યો. વિશ્વનું સૌથી મોટું ‘શ્રી યંત્ર ‘ અંબાજી મંદિર માં વડા પ્રધાન મોદીએ સ્થાપિત કર્યું.196 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સરદાર પટેલ જયંતિ નિમિતે સૌપ્રથમ વાર 562 રજવાડાના વંશજોનું સન્માન કરવામાં આવ્યું.ઢાંકી ખાતે સરકારે 2125 કરોડના ખર્ચે એશિયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન બનાવ્યું. કપાસ ના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ માટે ફરી સોમનાથ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ બન્યા.કચ્છનું ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ નો દરજ્જો મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચિત ગરબા પર રાજકોટમાં 1.21લાખ ખેલેયાઓએ રાસ રમીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો. સુરતની ડાયમન્ડ બુર્સે હીરા ઉદ્યોગ જગતમાં દશેરાના દિવસે 983 ઓફિસમાં એક સાથે કુંભ – ઘડા મુકવાનો વિશ્વ વિક્રમ કર્યો.પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજના છ સ્લેબ તૂટી પડતા બે ના મોત થયાં. મોરબી પુલ દુર્ઘટનાઅંગે હાઇકોર્ટ માં એસ. ટી. આઈ એ રિપોર્ટમાં ‘ઓરેવા ‘ નેજ જવાબદાર ઠેરવ્યા. અંબાજી માં પ્રસાદ માટે મોહનથાળમાં વપરાતું ઘી નકલી ઘી પુરવાર થયું. બ્રહ્મર્ષી સંસ્કારધામના સ્થાપક પૂ. ડાહ્યાલાલ શાસ્ત્રી નું, પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું અને વાઘ બકરી ચા ના એકઝિક્યુટીવ ડિરેક્ટર પરાગ દેસાઈનું અવસાન થયું.
🎊નવેમ્બર :
કેવડિયામાં વડા પ્રધાન મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને શ્રદ્ધાંજલિ અપાઈ. વર્લ્ડ કપની ફાઇનલ માં વડા પ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા અને વિજેતા ઓસ્ટ્રેલિયા ને ટ્રોફી અર્પણ કરી. ભારતીય ખેલાડીઓ ને આશ્વાસન આપ્યું. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અયોધ્યા દર્શન કરી ને વાયબ્રન્ટ ગુજરાત માટે જાપાન ના પ્રવાસે ગયા.વિશ્વમાં પહેલીવાર સુરતની લેબ માં રંગીન હીરા બન્યા. વડોદરાની ઉન્નતિ દેસાઈ ‘યુનિટી વર્લ્ડ મિસિસ એશિયા ટાઇટલ ‘ જીત્યું. હર્ષદ ત્રિવેદી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે ચૂંટાયા.પુરથી ભરૂચના ચાર તાલુકામાં થયેલ નુકસાની માટે 30.80કરોડ ની ચુકવણી કરી. રાજ્યમાં પ્રથમ વખત આ. રા. જાટ સંસદનું વિસ્તરણ કરાયું.2022-23 માં 12લાખ કરોડ ની નિકાસ સાથે ગુજરાત દેશ માં પ્રથમ રહ્યું. રાજ્યના 251 તાલુકા માં વરસાદ પડ્યો.ભાવનગર હવાઈ મથક પર ગુજરાતની સૌ પ્રથમ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઇ. કવિ ચંદ્રકાન્ત શાહ, ફિલ્મ,ટી. વી. આર્ટિસ્ટ ચારુતા પટેલ, ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા અને ભાવનગર ના પૂર્વ એમ. એલ. એ. સુનિલ ઓઝાનું અવસાન થયું.
🎊ડિસેમ્બર :
બાય બાય થતા 2023 ના વર્ષના ડિસેમ્બર મહિનામાં ગુજરાતરાજ્ય ના મુખ્ય મંત્રીશ્રીભુપેન્દ્રભાઈ પટેલ ‘સાંતક્લોઝ ‘ બનીને ગુજરાતના પાટનગર ‘ગાંધી ‘નગર ને ક્રિસ્ટમ્સ ની ભેટ સ્વરૂપ ‘દારૂ ‘ ની ગિફ્ટ આપી! ગિફ્ટ સિટીમાં સરકારે ‘વાઈન એન્ડ ડાઇન ‘ ફેસિલિટી આપી! ગુજરાતના 63 વર્ષના ઇતિહાસમા પ્રથમવાર કોઈ એક શહેરમા થી દારૂબંધી હટાવાઈ!વડાપ્રધાન મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ‘ડાયમન્ડ બુર્સ ‘ નું અને આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ના નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું.ગુજરાતની ઓળખ સમા “ગરબા ” ને યુનેસ્કોએ 2023 ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરી. શેરબજારની ઐતિહાસિક તેજીએ ઠંડી ઉડાડી દીધી. માર્કેટ બુમ… બુમ..!સેન્સેક્સ -70,000 અને નિફટી 21000 તરફ..! સોનુ પણ 65000ને પાર થયું. દાંડી થીમ પર સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ 350 કરોડ માં તૈયાર થયું અને 700kg વોટનો સોલાર પ્લાન્ટ સ્થાપ્યો.. દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટેનું ટર્મિનલ તૈયાર. રેલ્વેના 142 કિલોમીટર રૂટ પર કવચ ટ્રાયલ સફળ. એસ. ટી. માં શુભયાત્રા, સ્વચ્છયાત્રા અભિયાન શરુ. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત યુનિવર્સીટી પાસે આવેલ KCG કેમ્પસમાં બનેલા પાંચ માળ ના “આઈ હબ ” નું લોકાર્પણ કર્યું.ગુજરાતી માધ્યમની સ્કૂલોમા નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 6 થી 8 મા ‘શ્રીમદ ભગવદ ગીતા ‘ ભણાવાશે. કવિશ્રી વિનોદ જોશી ની કૃતિ “સૈરંન્ધરી ” ને સાહિત્ય અકાદમી પુરસ્કાર.દાહોદમાં નકલી સરકારી ઓફિસ, વાંકાનેર નજીક નકલી ટોલ નાકુ ઝડપાયું. I A S સહિત 11નકલી અધિકારી,7 નકલી કચેરી થી 22 કરોડ નું કૌભાંડ. ગુજસેલના ડિરેક્ટર નીતિન સંગવાન ને બરતરફ કરાયા અને અજય પ્રકાશ ની નિમણુંક કરાઈ. નડિયાદમાં નશા માટે ઝેરી કેમિકલ્સ ભેળવેલ આર્યુવેદીક સીરપ પીધા બાદ પાંચના મોત થયાં. સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા સાત કર્મચારિઓ આગમાં ભડથું થયાં.

