કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયની પેટર્ન પર આધારિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ (EMRS)માં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ ૬ થી ૧૨ના ૬૭,૦૦૦ થી વધુ આદિજાતિ બાળકો વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ આપવામાં આવ્યો છે. આ માટે વર્ષ ૨૦૧૮-૧૯ થી ૨૦૨૨-૨૩ સુધી છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર દ્વારા રૂ.૪૪,૧૪૨ લાખ અને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧૫,૪૮૬ લાખ એમ કુલ રૂા. ૫૯,૬૨૮ લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આદિજાતિ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેવા હેતુથી ચાલુ વર્ષના ગુજરાત બજેટમાં પણ વિવિધ શૈક્ષણિક હેતુ માટે કુલ રૂ. ૬૬૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વર્ષોથી ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરના સતત માર્ગદર્શનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં કેન્દ્ર સરકાર સંચાલિત ૩૪ EMRS શાળાઓમાં ૫,૩૮૦ કુમાર અને ૫,૭૭૬ કન્યાઓ શિક્ષણ લઇ રહી છે. જ્યારે ગુજરાત સરકાર સંચાલિત ૧૦ EMRS શાળાઓમાં ૧,૩૨૭ કુમાર અને ૨,પ૭૪ કન્યાઓ વિનામૂલ્યે નિવાસી શિક્ષણ મેળવી રહી છે. આ આદિજાતિ વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સ્કૂલમાં પ્રતિ વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.૧,૦૯,૦૦૦ જ્યારે ગુજરાત સરકાર સંચાલિત શાળાઓમાં પ્રતિ વિદ્યાર્થી વાર્ષિક રૂા. ૭૦,૦૦૦ રિકરીંગ ગ્રાન્ટ શિક્ષણ પાછળ પ્રતિ વિદ્યાર્થીદીઠ ખર્ચ કરવામાં આવે છે. જેમાં આદિજાતિ વિદ્યાર્થીઓને નિશુલ્ક પાઠ્યપુસ્તક, ગણવેશ, સ્ટેશનરી, ગુણવત્તાયુક્ત ભોજન, વોકેશનલ તાલીમ, શૈક્ષણિક પ્રવાસ, કમ્પ્યુટર શિક્ષણ અને રમત-ગમત સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.
રાજ્યનો કોઇપણ વર્ગ વિકાસની મુખ્યધારામાં પાછળ રહી ન જાય તેવા સર્વ સમાવેશી-સર્વગ્રાહી –અભિગમ સાથે ગુજરાત સરકારે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની વિવિધ પરીક્ષાઓ દ્વારા મેરિટના આધારે પ્રવેશ મેળવીને શહેરી અને સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થી સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરવા વધુ સક્ષમ બને તેવા ઉમદા હેતુથી એકલવ્ય મોડેલ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આદિજાતિ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ સમાન છે. આજ અભિગમને અનુસરીને કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયની પેટર્ન પર ગુજરાત સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે વિવિધ જિલ્લાઓમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ શરૂ કરી છે. જેમાં પ્રતિશાળા દીઠ ૪૮૦ની ક્ષમતા સાથે ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આવાસીય સુવિધા સાથેનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
કયા કયા જિલ્લામાં મોડેલ સ્કૂલ કાર્યરત :
ગુજરાતમાં સૌથી વધુ સાત EMRS શાળાઓ ડાંગ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ૬, દાહોદ અને નર્મદા જિલ્લામાં ૪-૪, બનાસકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને વલસાડમાં ૩-૩, મહિસાગર, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં ૨-૨ તેમજ સાબરકાંઠા અને નવસારીમાં ૧-૧ એમ કુલ-૪૪ EMRS શાળાઓ કાર્યરત છે.
મોડેલ સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા
દર વર્ષે અંદાજે ફેબ્રુઆરી માસમાં અરજી કરવાની જાહેરાત આવે છે તેમજ એપ્રિલમાં પ્રવેશ પરીક્ષા યોજાતી હોય છે
ફક્ત સરકારી, આશ્રમશાળા અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓનાં પાંચમા ધોરણમાં ભણતા આદિજાતિના બાળકો જ પ્રવેશ માટે અરજી કરી શકે
પ્રવેશ સમયે વિદ્યાર્થીની ઉંમર ૧૦ વર્ષથી ઓછી નહીં અને ૧૩ વર્ષથી વધુ ન હોવી જોઇએ : પ્રવેશ વખતે ધોરણ-૫ પાસ કરેલુ હોવું જોઇએ
દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૫ ટકા સુધી પ્રવેશમાં અગ્રતા
સામાન્ય રીતે પ્રવેશ પરીક્ષા બે કલાકની હોય છે, જેમાં ભાષા કૌશલ્ય ક્ષમતા, અંગ્રેજી / ગુજરાતી / હિન્દી, અંકગણિત અને બુદ્ધિમત્તાને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવે છે
આ પ્રવેશ પરીક્ષાનું પરીણામ અંદાજે મે માસના બીજા-ત્રીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવતું હોય છે. મેરીટમાં આવનારનું પરીણામ જ કચેરીની વેબસાઇટ https://eklavya-education.gujarat.gov.in/ પર જાહેર કરાય છે
પ્રવેશ મેળવવા માટેનું અરજીપત્રક https://eklavya-education.gujarat.gov.in/ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા EMRS, આદર્શ નિવાસી શાળા,આશ્રમ શાળા, ગ્રામ પંચાયત, મોડેલ શાળા, પ્રાયોજના વહીવટદારની કચેરી, પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વગેરેથી મેળવી શકાશે
પ્રવેશ સહિતની વધુ માહિતી માટે ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૭૯૨૮ ઉપર સંપર્ક કરી શકાય
રાજ્યમાં આદિજાતિના વિદ્યાર્થીઓને વધુ આધુનિક સુવિધા સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નજીકના વિસ્તારમાં મળી રહે તેવા હેતુથી સ્વાયત્ત સંસ્થા તરીકે વર્ષ ૨૦૦૦માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી- GSTESની ગાંધીનગરમાં રચના કરવામાં આવી છે જેના દ્વારા આદિજાતિની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

