મહામારીના સમયમાં વૈશ્વિક સ્તરે દિગ્ગજ કંપનીઓમાં છટણીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અનેક કોર્પોરેટ હાઉસ તેમજ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે આર્થક સંકટ-મોંધવારી વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે તેમાં પણ ગુજરાત ઝડપભેર ગ્રોથ સાધી રહ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગમાં દેશમાં ટોચના સ્થાને છે ત્યારે રોજગારીનું સર્જન ઝડપી રહ્યું છે. ‘ઇઝ ઓફ ડુઇંગ’ બિઝનેસમાં ક્રાંતિ લાવનાર ભારતની ટોચની સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસિસે સર્વિસિસ સેક્ટરમાં ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરીથી માર્ચ, 2023) માટે ‘એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ’ પ્રસિધ્ધ કર્યો છે. વિવિધ ઉદ્યોગો, કામગીરી અને વિસ્તારોમાં ભર્તીનાં ટ્રેન્ડનું સંપૂર્ણ પૃથક્કરણ કરતો અહેવાલ નિર્દેશ કરે છે કે વર્તમાન વૈશ્વિક ફુગાવા છતાં ભારત ભર્તીમાં વધારાની યોજના સાથે અગ્રેસર છે. આશરે 77 ટકા રોજગારદાતાઓ (Q3માં 73 ટકાની સરખામણીમાં) સર્વિસિસ સેક્ટરમાં પોતાનાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવા આતુર છે. કોર્પોરેટ તેમજ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા મોટા પાયે રોજગાર સર્જન થયું છે. દુનિયાભરની મોટી ટેક કંપનીઓ દ્વારા મોટા પાયે છટણીના દોર વચ્ચે ભારતીય કંપનીઓએ કર્મચારીઓની ભરતી વધારી છે. હાયરિંગ એજન્સી નોકરી જૉબસ્પીકના રિપોર્ટ અનુસાર, નવેમ્બરમાં કોર્પોરેટ હાયરિંગમાં ગત વર્ષની તુલનાએ 43% અને ઑક્ટોબરની તુલનામાં 27%નો વધારો થયો છે. રસપ્રદ છે કે તહેવારોની સીઝન બાદ કંપનીઓ કર્મચારીઓની ભરતી ઘટાડે છે પરંતુ આ વર્ષે સર્જન જળવાયું છે.
ચોથો ત્રિમાસિક ગાળો મજબૂત આઉટલુક ધરાવે છે, ખાસ કરીને નવા સ્નાતકો અને એન્ટ્રી-લેવલના કર્મચારીઓ માટે. 79 ટકા રોજગારદાતાઓ (Q3માં 74 ટકા) આ જૂથમાંથી ભરતી કરવા માંગે છે. મિડ- લેવલ (50%) અને સિનિયર લેવલ (32%) માટેની તકો પણ સંતુલિત છે. બિઝનેસ સાઇઝનાં સંદર્ભમાં જોઇએ તો મોટા ઉદ્યોગો (82%), નાના ઉદ્યોગો (61%) અને મધ્યમ ઉદ્યોગો (50%) મજબૂત રોજગારનો સંકેત આપે છે.

