સંકેત પંડ્યા – એડિટર
છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે એશિયના ઇમર્જીંગ માર્કેટમાં સતત મંદીની ચાલ જોવા મળી રહી છે પરંતુ હવે તેમાં મંદીનો દોર પૂર્ણતાને આરે છે. હવે માર્કેટમાં ફરીથી તેજી જોવા મળે તેવી શક્યતા છે. અમેરિકાની ઇન્વેસ્ટમેંટ બેન્કિંગ ફર્મ મોર્ગન સ્ટેનલીએ આ અનુમાન વ્યક્ત કર્યું છે.
ઇન્વેસ્ટમેંટ બેન્કના જોનથાન ગાર્નરે કહ્યું કે માર્કેટમાં ઘટાડાનું નીચલુ સ્તર પૂર્ણ થયું છે. હવે ઊભરતા બજારો તેમજ જાપાનને છોડીને એશિયાના અન્ય શેરમાર્કેટમાં પરફોર્મન્સ સુધરશે. મોર્ગન સ્ટેનલીએ શેરમાર્કેટનું રેટિંગ પણ અપગ્રેડ કરીને ઇક્વલ વેઇટથી ઓવરવેઇટ કર્યું છે.
MSCI EM બેંચમાર્ક 26 ટકા સુધી ઘટ્યો
MSCI EM બેંચમાર્ક જે સતત પાંચ ક્વાર્ટરથી ઘટાડાનો ટ્રેન્ડ છે અને તે આ વર્ષે 26% સુધી નીચે જઇ ચૂક્યો છે તેમાં આગામી કેટલાક મહિનામાં 12% તેજી આવી શકે છે.મોર્ગન સ્ટેનલી દ્વારા માર્કેટમાં ઘટાડાના આકલન માટે ઉપયોગમાં લેવાતા 10 સંકેતોના ફ્રેમવર્કથી જાણવા મળે છે કે ઊભરતા બજારો તેમજ એશિયન માર્કેટ આ નીચલા સ્તરેથી ફરીથી ઉપરની તરફ જાય તેવી મજબૂત સંભાવના છે અને આ જ ખરીદી માટેનો આકર્ષક અવસર છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી યુએસ, યુરોપ તેમજ અન્ય દેશોમાં ખાસ કરીને મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી સતત વધવાને કારણે વિશ્વભરની અનેક સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. યુએસમાં પણ મોંઘવારીને અંકુશમાં રાખવા માટે વ્યાજદરોમાં સતત વધારો કરાઇ રહ્યો છે. યુરોપમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ભારતમાં પણ અત્યાર સુધી રેપો રેટમાં અનેકવાર વધારો કરવામાં આવી ચૂક્યો છે. જો કે આ બધા વચ્ચે પણ માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે પણ ભારતના શેરબજારમાં સૌથી ઓછું કરેક્શન જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે અન્ય સ્ટોકમાર્કેટમાં મોટો કડાકો બોલી ગયો છે જ્યારે ભારતના સ્ટોકમાર્કેટમાં મોટુ કરેક્શન જોવા મળ્યું નથી.

