Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News જાણવા જેવુ ટોપ ન્યૂઝ

પ્રાકૃતિક ખેતી શું છે… કરવા જેવી ખરી..? – શેરખીના ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાના અનુભવ અને પ્રતિભાવથી મેળવો જવાબ

પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ…શુદ્ધતા સાથે ઓછા ખર્ચ અને વધુ આવકની મારી ગેરંટી…બસ સાહેબ આટલું જ કહેવા માંગુ છું અને છતાં કોઈ ખેડૂતને નજરે જોવું હોય તો મારા ખેતરે મોકલી આપજો, શેરખીના પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાના આ શબ્દો પ્રાકૃતિક ખેતી કરવી કે નહીં ? તેને લઈને અસમંજસમાં રહેતા અનેક ખેડૂતોને સમજાવવા અને પ્રેરણા આપવા માટે પૂરતા છે. 

        ખેડૂતોને આર્થિક રીતે સુખી, સમૃદ્ધ અને સશક્ત બનાવવા તથા લોકોને સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદનો મળી શકે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેક ટુ નેચર’ નો મંત્ર આપ્યો છે. ત્યારે પ્રાકૃતિક ખેતી અંગે વડોદરા અને ગુજરાત પાસેથી આખો દેશ પ્રેરણા લે એ હેતુથી પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મોડ’ પર કામ થઈ રહ્યું છે.

        વડોદરા શહેર-જિલ્લામાં ચાલતા વેગવંતા પ્રાકૃતિક કૃષિ અભિયાન વચ્ચે શેરખી ગામના ઉપેન્દ્રસિંહ મહીડાએ પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના જાતઅનુભવો વર્ણવીને રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. ઉપેન્દ્રસિંહ છેલ્લા ૬ વર્ષથી પોતાના ૭ વીઘાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે. કુદરતી ખેતીનું મહિમામંડન કરતા ઉપેન્દ્રસિંહ જણાવે છે કે, રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના વધુ ઉપયોગથી આજની પેઢીમાં સ્વાસ્થ્યના ગંભીર પ્રશ્નો સર્જાયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉકેલ છે – આ વાત અને શીખ મને આત્મા પ્રોજેક્ટના એક કાર્યક્રમમાં સારી રીતે સમજાઈ ગઈ હતી. અને ત્યારથી જ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને આત્મા પ્રોજેક્ટ હેઠળ કુદરતી ખેતીની તાલીમ લીધી હતી.

        પ્રાકૃતિક કૃષિમાં મહેનત વધારે જોઈએ બસ… બાકી ઉત્પાદન ખર્ચ તો સાવ નહીવત્ હોં.. વળી, મહત્તમ અને ચોખ્ખું ખેત ઉત્પાદન, બમ્પર આવક, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પાણીની ખૂબ બચત તેમજ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો સહિત અનેક ફાયદાઓ ગણાવતા ઉપેન્દ્રસિંહ મહીડા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. સાથે જ દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા મળતી પ્રતિમાસ રૂ. ૯૦૦ ની સહાયનો પણ લાભ લે છે.

        અહીં ખાસ વાત એ છે કે, આ પ્રગતિશીલ ખેડૂત નક્ષત્ર આધારિત પદ્ધતિથી ખેતી કરે છે.  વાવેતર, ખાતર, રોગ જિવાત નિયંત્રણ સહિતની લણણી સુધીની પ્રક્રિયા નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિથી કરે છે. નક્ષત્ર આધારીત ખેતીની ખાસ વાત એ છે કે, છોડમાં પાણીનું સવિશેષ પ્રમાણ ચંદ્રના પ્રકાશથી સતત પ્રભાવિત થતું હોય છે. જો ચંદ્ર પ્રકાશની અસરને સમજીને પાકની વાવણી, લણણી વગેરે કરવામાં આવે તો ખેડૂતને ખેતીમાં સારા પરિણામો મળતા હોય છે.

        આ ખેડૂતના ઘરમાં શાકભાજી, કઠોળ, ધાન્ય સહિતની તમામ ખાદ્ય ચીજ વસ્તુઓ પ્રાકૃતિક રીતે પોતાના ખેતરમાં ઉગાડેલી હોય, એ જ છે. બહારથી કોઈ પણ પ્રકારનું શાકભાજી, કઠોળ કે ધાન્ય તેઓ ખરીદીને લાવતા નથી. હાલ તેમણે પોતાના ખેતરમાં મકાઈ અને ફુલાવરના પાકનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત ખેતરની સરહદવાળી જમીન પર અનેક ઔષધિઓ અને ગાયો માટે લીલા ઘાસનું વાવેતર કર્યું છે.

        જન અને જમીનને સ્વસ્થ રાખતી પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેમાં જીવામૃત/ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા (ભેજ) અને મિશ્રપાક પદ્ધતિ – એટલે કે પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ તો આ જાગૃત ખેડૂત સંપૂર્ણ ખેતી કરી સારા પરિણામો મેળવે છે. પરંતુ, આ ઉપરાંત તેઓ ફૂલની સંખ્યા વધારવા ગળ્યો એન્ઝાઇમ, પાકનું વજન અને ચમક વધારવા ખાટો એન્ઝાઇમ તેમજ પાક સંરક્ષણ અને રોગ જીવાત નિયંત્રણ માટે કડવો એન્ઝાઇમ ઘરે જ બનાવે છે અને તેના થકી મહત્તમ ફાયદો અને ઝેરમુક્ત ખેતી કરે છે. ખેતર ખેડવાથી માંડીને પાકની લણણી થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા પ્રાકૃતિક રીતે થાય છે. આ પ્રક્રિયામાં વપરાતા બિયારણ, ખાતર સહિતની સામગ્રીઓ બધું જ તેઓ ઘરે જાતે બનાવે છે. ગાયો અને ખેડૂતો માટે કરોડોનો બિઝનેસ છોડીને ગૌસેવા કરનાર ગોપાલભાઈ સુતરીયા દ્વારા બનાવાતું ગોકૃપા અમૃતમ્ બેક્ટેરિયલ પણ ઉપેન્દ્રસિંહ મહીડા જાતે બનાવે છે. જેનાથી જમીન પોચી, પોષણક્ષમ અને ફળદ્રુપ બનવાની સાથે જીવાતના નિયંત્રણમાં મદદ મળે છે અને ઓર્ગેનિક કાર્બનમાં વધારો પણ થાય છે.

        બહારની કોઈ વસ્તુના ઉપયોગ વિના ‘પ્રાકૃતિક ખેતી’ કરીને ઝેરમુક્ત ખાધાન્ન પેદા કરી શકાય તે માટે ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિની જનસમૂહની ચળવળમાં ઉપેન્દ્રસિંહ મહીડા સહિત ૩૨ હજારથી વધારે ખેડૂતો વડોદરા જિલ્લામાં કુદરતી ખેતી કરી રહ્યા છે. અને ખેતીને રાસાયણિક લૅબમાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવાનું ઈશ્વરીય કાર્ય કરી રહ્યા છે.

        વડોદરાના ખેડૂતો આધુનિક બનવા સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતા થયા છે. વળી, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ ખાસ બજારની પણ વ્યવસ્થા ઉભી કરી છે. ઉપેન્દ્રસિંહ મહીડા પણ દર સોમવારે કલેક્ટર કચેરી ખાતે અને દર ગુરૂવારે જિલ્લા પંચાયત પટાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ કેન્દ્ર ખાતે વિવિધ શાકભાજી વેચાણ માટે મૂકે છે. અને ગણતરીના કલાકોમાં જ તેમની શાકભાજી ઉપરાંત જણસ વેચાઈ જાય છે.

        જાગૃત ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાની આત્મા પ્રોજેક્ટ અને બાગાયત અધિકારીઓએ પણ નોંધ લીધી છે. આસપાસના અન્ય ખેડૂતો પણ આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે આદરેલા અભિયાનમાં સક્રિયતાથી સામેલ થવા માટે ઉપેન્દ્રસિંહ મહીડાએ સૌ ખેડૂતોને અનુરોધ કર્યો છે.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયોSVEEP અંતર્ગત દાહોદ ખાતે યુવા મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા

gujaratjanekta

ચાર રાજ્યના આદિવાસી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

gujaratjanekta

પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે “આત્મ નિર્ભર ભારત “સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial