પ્રાપ્ત માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં અતિપ્રચંડ બનેલું વાવાઝોડું બિપોરજોયના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. દ્વારકારના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનના કારણે દ્વારકાધીશના જગત મંદિર પરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. તેજ પવન અને વરસાદના કારણે 2 દિવસથી હાલ કોઈ નવી ધજા મંદિરના શિખર પર ચડી નથી, ત્યારે હાલ શિખર પર લેહરાતી ધજા ખંડિત થઇ છે. પૌરાણિક માન્યતા મુજબ ધજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે.ભારે પવન અને વરસાદના કારણે ગઈકાલે ધજા ચડાવવામાં આવી નહોતી. જ્યારે આજે પણ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવશે નહીં. બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકા જિલ્લામાં ઇતિહાસ બદલતી ઘટનાઓ સામે આવી રહી છે. દ્વારકાધીશમાં પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજા તૂટ્યા બાદ ગઈકાલે દ્વારકાધીશ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવી નહોતી. મંદિરના તંત્ર દ્વારા આજે પણ ધજા ન ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકામાં બે દિવસથી બનતી ઘટનાએ ભક્તોમાં ઉત્કઠાં વધારી છે. દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધજા દિવસમાં 5 વખત ચડતી હોય છે. પરંતુ વાવાજોડાની અસરને લઇ સતત બે દિવસ ધજા નહીં ચડે.

બે દિવસ અગાઉ ચડાવવામાં આવી હતી એક સાથે બે ધજા
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે દિવસ અગાઉ બે ધજા એક સાથે ચડાવામાં આવી હતી. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી બપોરે એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી ગઈકાલે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.

